Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહારાષ્ટ્ર : આરે મેટ્રોકાર શેડ પ્રોજેક્ટ ઉપર અંતે બ્રેક મુકાઈ

ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રથમ મોટો નિર્ણય કરતા ચર્ચાઓ : લોકોના પૈસાનો યોગ્યરીતે ઉપયોગ કરી આગળ વધવા માટે ઉદ્ધવ ઠાકરેનો સચિવોને આદેશ : જવાબદારી સંભાળી લીધા બાદથી પ્રથમ વખત સચિવાલય પહોંચ્યા

મુંબઈ, તા. ૨૯ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મહત્વના નિર્ણય લેવાની શરૂઆત કરી હતી. ગુરુવારના દિવસે શપથ લેનાર ઉદ્ધવ સરકારે આજે એક મોટો નિર્ણય કરીને આરે કોલોનીમાં બનનાર મેટ્રોકાર્ડ શેડના પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. સતત પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ અને વૃક્ષો કાપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સરકારે આદેશ કર્યો છે કે, આગામી આદેશ સુધી આરે કોલોનીમાં કોઇપણ વૃક્ષ કાપવામાં આવશે નહીં. સરકારની બીજી બેઠક બાદ મિડિયા સાથે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ મેટ્રોકાર શેડ પ્રોજેક્ટના કામને રોકવા માટેનો આદેશ જારી કરી દીધો છે. હાલમાં મેટ્રોના કામ ઉપર કોઇ પ્રતિબંધ નથી. સરકારના આગામી આદેશ સુધી હવે કોઇ વૃક્ષ કાંપવામાં આવશે નહીં. ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત રાજ્ય સચિવાલય પહોંચ્યા છે.

                    તમામ સચિવો સાથે બેઠક યોજી છે. તમામનો પરિચય મેળવ્યો છે. તમામને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, મતદારોના પૈસાનો યોગ્યરીતે ઉપયોગ કરવામાં આવે. મતદારોના પૈસાનો દુરુપયોગ કરવામાં ન આવે. ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી જે મુંબઈમાં જન્મ્યા છે જેથી તેમના મનમાં એવી જ ભાવનાઓ રહેલી છે કે, શહેર માટે કયા સારા પગલા લઇ શકાય છે. આરે કોલોનીમાં વૃક્ષોની કાંપણીને રોકનાર એક આદેશની અવધિને હાલમાં જ સુપ્રીમ કોર્ટે વધારી દીધી હતી. ૧૬મી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેંચે ચુકાદાની અવધિને આગામી મહિના સુધી વધારી દીધી હતી. ત્યારબાદ તમામ પર્યાવરણ વાદીઓ, શિવસેના, એનસીપી દ્વારા પણ માંગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગયા બાદ હવે પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં ગઇકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તાજપોશી કરવામાં આવી હતી. આની સાથે જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ શાસનની શરૂઆત થઇ હતી.

                     સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો હતો. એનસીપીના નેતા શરદ પવાર અને અન્યોની ઉપસ્થિતિમાં આ શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ગઇકાલે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ૨૭મી જુલાઈ ૧૯૬૦ના દિવસે મુંબઈમાં ઉદ્ધવનો જન્મ થયો હતો. ૨૦૦૩માં પાર્ટીના કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવે તે પહેલા સુધી ઉદ્ધવને કોઇ ઓળખતા ન હતા. રાજનીતિમાં એન્ટ્રી કરતા પહેલા ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મુખપત્ર સામનામાં કામગીરી સંભાળતા હતા. ઉદ્ધવ ઠાકરે મૂળભૂતરીતે પ્રોફેશનલ ફોટોગ્રાફર અને લેખક તરીકે છે. ઉદ્ધવે મોટી સંખ્યામાં પુસ્તકો અને પત્રિકાઓમાં લેખ લખ્યા હતા. ઉદ્ધવે એક બિઝનેસમેન માધવ પાટણકરની પુત્રી રશ્મિ સાથે ૧૬મી ડિસેમ્બર ૧૯૮૯ના દિવસે લગ્ન કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મેટ્રોકાર શેડ પ્રોજેક્ટ પર રોક મુકી દીધો છે.

(7:16 pm IST)