Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અનોખાં લગ્નઃ વરદ્યોડિયા અને જાનૈયા બધા ચક્ષુહીન, સમગ્ર ગામ લગ્નનું સાક્ષી બન્યું

નવી દિલ્હી,તા.૨૯: છત્ત્।ીસગઢના એક ગામમાં થયેલાં લગ્ન સોશ્યલ મીડિયાના આધારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. આ લગ્નમાં વરરાજા અને નવવધૂ બન્ને ચક્ષુહીન હતાં. બન્ને અલગ-અલગ સમાજ અને જાતિઓનાં હતાં. બુધવારે કોરિયા જિલ્લાના ડુમરિયા ગામમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી જાન આવી હતી. ચક્ષુહીન યુવક અને યુવતીની મુલાકાત યુનિવર્સિટીમાં સંગીતના અભ્યાસ દરમ્યાન થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમનાં બીજ રોપાયાં હતાં.

ડુમરિયા ગામના તમામ લોકો માટે આ લગ્ન માણવાનો એક અનોખો અનુભવ રહ્યો હતો. જોકે આખું ગામ કોઈ આમંત્રણ વગર જ આ લગ્નમાં પહોંચી ગયું હતું. ગામનાં દાદી રામ પનિકાની દીકરી ગુંજાનાં લગ્ન હતાં. તેમની દીકરી જન્મથી જ જોઈ શકતી નહોતી, પરંતુ અભ્યાસમાં તે ખૂબ હોશિયાર હતી. પિતાએ દીકરીનો ઉત્સાહ વધારીને તેને ચિત્રકૂટની રામભદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અભ્યાસ માટે મોકલી આપી.

યુનિવર્સિટીમાં તેણે બ્રેઇલલિપિની મદદથી બીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ દરમ્યાન જ તેની મુલાકાત ગ્વાલિયરના સૂરજ સાથે થઈ હતી. સૂરજ પણ ચક્ષુહીન છે અને તે યુનિવર્સિટીમાં સંગીતકળામાં આઇટીઆઇ કરી રહ્યો હતો. બન્નેના પરિવારે પોતપોતાનાં બાળકોના પ્રેમસંબંધને સ્વીકારી લીધા હતા અને લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.

(4:02 pm IST)