Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પ્રજ્ઞાસિંહ ઠાકુરને લોકસભામાં ફરીવાર માફી માંગવા માટે ફરજ પડી

બીજી વખત માફી માંગ્યા બાદ લોકસભામાં શાંતિ : સર્વપક્ષીય મિટિંગ બાદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ ફરી એકવાર માફી માંગી

નવીદિલ્હી, તા. ૨૯ : લોકસભામાં નાથુરામ ગોડસેને લઇને કરવામાં આવેલી ટિપ્પણી મામલે આજે ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને બીજી વખત માફી માંગવાની ફરજ પડી હતી. આ વખતે તેઓ એક વાક્યમાં કહ્યું હતું કે, ૨૭મી નવેમ્બરની પોતાની ટિપ્પણી ઉપર તેમને દુખ છે અને આના માટે તેઓ માફી માંગે છે. પ્રજ્ઞા ઠાકુરે નિવેદન શરૂ કરતા કહ્યું હતું કે, તેઓએ દુશ્મનો દ્વારા આપવામાં આવેલા અનેક અત્યાચારો સહન કર્યા છે. આ ગાળા દરમિયાન સ્પીકરે તેમને અધવચ્ચે રોક્યા હતા. સાથે સાથે માફીવાળા નિવેદનને વાંચવા માટે કહ્યું હતું. પ્રજ્ઞાએ આને લઇને વિરોધ નોંધાવીને કહ્યું હતું કે, તેમને પોતાની વાત પૂર્ણ કરવાની તક આપવામાં આવે. પ્રજ્ઞાએ બીજી વખત માફીનામામાં કહ્યું હતું કે, ૨૭મી નવેમ્બરના દિવસે એસપીજી ડિલ પર ચર્ચા દરમિયાન નાથુરામ ગોડસેને તેઓએ દેશભક્ત તરીકે ગણાવ્યા ન હતા છતાં જો કોઇને દુખ થયું છે તો તેઓ માફી માંગે છે.

                      પ્રજ્ઞાએ ફરીવાર માફી માંગવાની શરૂઆત કરી અને લોકસભાની કાર્યવાહી યોગ્યરીતે શરૂ થઇ હતી. બુધવારના દિવસે લોકસભામાં એસપીજી સુધારા બિલને લઇને ચર્ચા થઇ રહી હતી. ડીએમકેના સાંસદ એ રાજા તેમનું નિવેદન કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે, ગોડસેએ કબૂલાત કરી હતી કે, ગાંધીની હત્યાના નિર્ણયને લેતા પહેલા ૩૨ વર્ષ સુધી તેમના મનમાં ગાંધીના પ્રત્યે દ્વેષભાવના હતી. રાજાએ કહ્યું હતું કે, ગોડસેએ ગાંધીની હત્યા કરી હતી. કારણ કે, તેઓ એક ખાસ વિચારધારામાં વિશ્વાસ રાખતા હતા. આ ગાળા દરમિયાન પ્રજ્ઞાએ તેમની વચ્ચે નિવેદનમાં કહ્યું હતું કે, નાથુરામને લઇને ઘણી બાબતો સારી પણ રહેલી છે. નાથુરામને લઇને તેમની ટિપ્પણી ઉપર હોબાળો શરૂ થઇ ગયો હતો. લોકસભા અધ્યક્ષે પ્રજ્ઞા ઠાકુરની આ ટિપ્પણીને ગૃહની કાર્યવાહીથી દૂર કરી દીધી હતી. ભાજપે પણ આની સામે કાર્યવાહી કરીને પ્રજ્ઞાનું નામ ડિફેન્સ કમિટિમાંથી પરત લઇ લીધું હતું. સાથે સાથે પાર્ટીની સંસદીય દળની બેઠકમાં ભાગ ન લેવા માટે પણ કહ્યું હતું.

                     પ્રજ્ઞા સંસદ સત્ર દરમિયાન ભાજપની સંસદીય દળની બેઠકમાં ભાગ લઇ શકશે નહીં. દરમિયાન આજે પણ લોકસભામાં હોબાળો જારી રહ્યો હતો. પ્રજ્ઞાએ માફી માંગી લીધી હોવા છતાં મામલો શાંત થયો ન હતો. પ્રજ્ઞાએ માફી માંગી હતી પરંતુ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા. સાધ્વીના આ પ્રકારથી માફી માંગવાને લઇને વિપક્ષી સાંસદો લાલઘૂમ દેખાયા હતા અને ધાંધલ ધમાલની શરૂઆત થઇ ગઈ હતી. ધાંધલ ધમાલ બાદ લોકસભા અધ્યક્ષે સંસદની કામગીરી સ્થગિત કરી દીધી હતી. સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, પ્રજ્ઞાએ પોતાના નિવેદન બદલ ફરી માફી માંગવી જોઇએ. ફરી માફી માંગી લીધા બાદ ગૃહમાં હોબાળો થયો ન હતો અને કાર્યવાહી સાનુકુળરીતે ચાલી હતી.

(7:18 pm IST)