Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુપીના પાંચ મંદિરો સંભાળી લેશે સરકારઃ પંડાઓના ત્રાસથી મળશે મુકિત

અયોધ્યામાં ઇશ્વાકુ નગરી રૂપે બનશે નવું શહેર

લખનૌઃ રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ યોગી સરકાર તીર્થસ્થાનોના વિકાસ માટે મોટા નિર્ણયો લેવા જઇ રહી છે.

મથુરામાં વૃજ તીર્થ ક્ષેત્ર વિકાસ પરિષદની રચના પછી હવે ચાર નવા તીર્થ ક્ષેત્ર વિકાસ પરિષદની રચનાની તૈયારી થઇ રહી છે. વૈષ્ણોદેવી અને તિરૂપતિ બાલાજી શ્રાઇન બોર્ડની પધ્ધતિ પ્રમાણેજ વિકાસ પરિષદોને કામ સોંપાશે. કાશી વિશ્વનાથ કોરીડોરની જેમ મિર્ઝાપુરમાં માં વિધ્યવાસીની કોરીડોર બનાવવાની જાહેરાત સરકારે કરી છે. આવું થયા પછી રાજ્યના મોટા મંદિરોમાં પંડાઓનું વર્ચસ્વ સમાપ્ત થઇ જશે.

ઉત્તરાખંડ કેબિનેટે પોતાને ત્યાં ચારધામ સહિત રાજયના ૫૦ થી વધારે મંદિરોના સંચાલન માટે ચારધામ શ્રાઇન બોર્ડની રચનાને મંજૂરી આપી દીધી છે. તે પહેલા પ્રયાગરાજ અને વીંધ્યાચલ ધામના વિકાસ માટે યોગી સરકારે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. ઉતરાખંડ પછી હવે યુપીમાં પણ મથુરા,કાશી, પ્રયાગ,અયોધ્યા અને વિંધ્યવાસીની ધામમાં શ્રાઇન બોર્ડની રચનાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.નવી અયોધ્યાની ભૂગોળ તૈયાર કરવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે ઇક્ષ્વાકુ નગરીના નામથી નવી અયોધ્યા વસાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેનું કેન્દ્રબિંદુ રામ જન્મભૂમિ પર બનનાર મંદિર હશે. આ પરિયોજનાના પહેલા તબકકામાં સાત હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. નવી ઇક્ષ્વાકુ નગરી માટે પડોશના જીલ્લાઓ બારાબંકી, આંબેડકરનગર, તથા ગોંડાની જમીન પણ અધિગ્રહિત કરવાનો પ્રસ્તાવ છે. અયોધ્યાનુ નવું  રૂપ પર્યટનની દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ બનવાનું છે. સરકારની યોજના તેને આંતરરાષ્ટ્રિય સ્તરે તૈયાર કરવાની છે. આખી અયોધ્યાનો કાયાકલ્પ કરવા માટે રેલ્વે સ્ટેશનથી માંડીને ફાઇવ સ્ટાર હોટલ બનાવવાની યોજના છે. આ યોજના દસ પ્રવેશ દ્વાર, એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓથી સજજ બસ સ્ટેશન, વિશ્વસ્તરીય રેલ્વે સ્ટેશન, અંડર ગ્રાઉન્ડ કેબલીંગ વગેરે સુવિધાઓ થશે. પ મોટા રિસોર્ટ, ૧૦ હજાર લોકો રોકાઇ શકે તેવી રૈન બસેરા સુવિધા, અયોધ્યાથી ફૈઝાબાદનો ૫ કિમી લાંબો ફલાયઓવર પણ બનાવવામાં આવશે. સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ ફુટ ઉંચી મૂર્તિ સ્થાપિત કરાશે.

(3:23 pm IST)