Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૧લી ડિસેમ્બરથી વાહનોમાં 'ફાસ્ટટેગ' ફરજીયાત : ટેગ નહિં હોય તો ટોલટેક્ષ ડબલ ચૂકવવો પડશે !

દરેક ટોલબુથ અને ચોક્કસ બેન્કોમાં 'ફાસ્ટટેગ' લગાવી આપવાની વ્યવસ્થા : ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા : સરકાર મુદ્દતમાં વધારો કરે તેવો પ્રજામાંથી ઉઠતો સૂર : ટોલ બુથ ઉપર 'ફાસ્ટ ટેગ' વાળા વાહનો સડસડાટ પસાર થઈ શકે તે માટે ખાસ લેન હશે

રાજકોટ, તા. ૨૯ : ૧લી ડિસેમ્બરથી વાહનોમાં ફરજીયાત 'ફાસ્ટટેગ' લગાવવો પડશે. ટોલ બુથ ઉપર ટોલ ટેક્ષ ડીજીટલી વસૂલવાની આ શરૂઆત છે. જો ૧લી ડિસેમ્બરથી તમારા ફોરવ્હીલ અને હેવી વ્હીકલ્સમાં 'ફાસ્ટટેગ' લાગેલો નહિં હોય તો ટોલબુથ ઉપર નિયત ટેકસથી ડબલ ટેકસ ચૂકવવો પડશે. આ નિયમની અમલવારીમાં વધુ વિગત આપવામાં આવે તેવો સૂર ધીમે ધીમે પ્રજામાંથી ઉઠી રહ્યો છે.

દરેક ટોલબુથ ઉપરાંત ચોક્કસ બેન્કોમાં 'ફાસ્ટટેગ' ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. કોઈપણ વાહન ચાલકો ઓનલાઈન પણ 'ફાસ્ટટેગ' રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા ખાનગી અને કોમર્શીયલ સહિત તમામ ફોર વ્હીલ અને તેનાથી વધુ પૈડાવાળા વાહનો માટે ૧લી ડિસેમ્બરથી 'ફાસ્ટટેગ' ફરજીયાત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

'ફાસ્ટટેગ' શું છે?

'ફાસ્ટટેગ' એ ટોલ કલેકશન માટેનું પ્રિપેઈડ રીચાર્જેબલ ટેગ છે. જે તમારા વાહનની વિન્ડ સ્ક્રીન (આગળનો કાચ) ઉપર લગાવવામાં આવે છે. 'ફાસ્ટટેગ' તમારા વાહન પર લાગેલો હશે તો ટોલપ્લાઝા પર તમારે સમય બગાડવો નહિં પડે. તમે વાહન લઈ ટોલ પ્લાઝામાંથી પસાર થશો તે સાથે જ ડીજીટલી ટેકસ ઓટોમેટીક વસૂલાઈ જશે. 'ફાસ્ટટેગ' રેડીયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ટેકનોલોજી ઉપર કામ કરે છે. ટેગની કોઈ એકસપાયરી ડેટ રાખવામાં આવી નથી. જયાં સુધી તે રીડ થઈ શકશે ત્યાં સુધી ટોલપ્લાઝા ઉપર તમારા વાહનો વિના અડચણે પસાર થઈ શકશે.

'ફાસ્ટટેગ' કેવી રીતે ખરીદશો અને એકટીવેટ કરશો?

'ફાસ્ટટેગ' ૨૨ સર્ટીફાઈડ બેન્કો અને નેશનલ હાઈવે પરના ટોલબુથ અને પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) પરથી ખરીદી શકાશે. એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ તે ઉપલબ્ધ છે.

તમે પોતે કઈ રીતે એકટીવેટ કરી શકો?

ઓનલાઈન ફાસ્ટટેગ 'ડુ ઈટ યોર સેલ્ફ' ના કોન્સેપ્ટ ઉપર તમે પોતાની જાતે 'માય ફાસ્ટ ટેગ' મોબાઈલ એપ ગુગલ પ્લે સ્ટોર ઉપરથી અને આઈ ફોન યુઝર એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી એકટીવેટ કરી શકશે. આ રીતે તમે તમારા કોઈપણ બેન્ક એકાઉન્ટ સાથે 'ફાસ્ટટેગ' લીન્ક કરી શકશો. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રિ-પેઈડ વોલેટ ફેસેલીટી પણ માય ફાસ્ટ ટેગ એપ ઉપર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આમ તમારૂ વાહન ટોલબુથ ઉપરથી પસાર થતાની સાથે ઓટોમેટીક તમારા ખાતામાંથી ટોલની રકમ કપાઈ જશે.

એકસીસ બેન્ક, ફેડરલ બેન્ક, સાઉથ ઇન્ડિયન બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડીએફસી બેન્ક, એસબીઆઈ, એચડીએફસી, કરૂર વૈશ્ય, કોટક મહિન્દ્રા, સીન્ડીકેટ, પંજાબ નેશનલ, સારશ્વત સહિતની કોર્પોરેટ અને સરકારી સહિત ૨૨ જેટલી બેન્કોમાંથી તમે 'ફાસ્ટટેગ' ખરીદી શકશો.

માર્ગ પરિવહન મંત્રાલયે નક્કી કર્યા મુજબ ૧લી ડિસેમ્બરથી જો તમે ટેગ નહિં લગાવ્યો હોય તો ડબલ ટોલ વસૂલાશે. એક વાર લેવામાં આવેલુ ફાસ્ટ ટેગ ૫ વર્ષ માટે એકટીવેટ રહે છે અને તેને સમયસર રિચાર્જ કરાવવુ પડે છે. ભારતમાં ઈલેકટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમ રૂપે આ ટેગને લાગુ કરવામાં આવ્યો છે.

તમારે 'ફાસ્ટટેગ' ખરીદતી વખતે દસ્તાવેજોની ખરી નકલ જેમ કે વાહનનું રજીસ્ટ્રેશન (આર.સી. બુક), તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો, વાહન માલિકનું કેવાયસી તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કે આધાર કાર્ડ જોઈશે. તમારી કારના વિન્ડ સ્ક્રીન ઉપર પ્લાસ્ટીક કવર ઉતારી 'ફાસ્ટટેગ' લગાડવાનું રહેશે. પહેલીવાર ઉપયોગ કરતા યુઝર્સને ઓનલાઈન વોલેટ સાથે લીન્ક કરવુ પડશે. જે - તે બેન્કની વેબસાઈટ પર જશો એટલે તેમાં દર્શાવાયેલા સ્ટેપ ફોલો કરવાથી વોલેટને ઓનલાઈન રીચાર્જ કરી શકાશે. 'ફાસ્ટટેગ' એકાઉન્ટમાંથી દરેક વખતે ઓનલાઈન પૈસા કપાયા બાદ તેનો એસએમએસ પણ આવશે.

'ફાસ્ટટેગ'ના ચાર્જ શું રહેશે?

'ફાસ્ટટેગ'નો વધુમાં વધુ ચાર્જ રૂ.૧૦૦ રહેશે. જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ફિકસ કરાયો છે. જુદી જુદી બેન્કોમાં આ ચાર્જ જુદો જુદો રહી શકે છે. એચડીએફસી બેન્ક 'ફાસ્ટટેગ' કાર માટે રૂ.૪૦૦માં ઈસ્યુ કરી રહી છે જેમાં રૂ.૧૦૦ ટેગની ફી, રૂ.૨૦૦ રીફન્ડેબલ સિકયુરીટી ડિપોઝીટ અને રૂ.૧૦૦ પહેલી રીચાર્જ રકમ તરીકે વસુલે છે. જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક રૂ.૪૯૯.૧૨ વસૂલે છે. જેમાં રૂ.૯૯.૧૨ પૈસા 'ફાસ્ટટેગ' ઈસ્યુ કરવાનો ચાર્જ, રૂ.૨૦૦ રીફન્ડેબલ સિકયોરીટી ડિપોઝીટ અને રૂ.૨૦૦ પહેલી રીચાર્જ એમાઉન્ટ તરીકે વસૂલે છે. ટોપ અપ ચાર્જ પણ જુદી જુદી બેન્કો મુજબ જુદો જુદો રહેશે.

દેશભરમાંથી આ નિયમ લાગુ કરવાની મુદ્દતમાં વધારો થાય તેવો સૂર ઉઠી રહ્યો છે.

(1:01 pm IST)