Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

GST વાર્ષિક ફોર્મ ૧૦ ડિસેમ્બરે અપલોડ કરાશે

ફોર્મ સરળ બનાવી અપલોડ કર્યા બાદ વેપારીઓ જીએસટીઆર ૯ અને ૯સી ભરી શકશે : સુધારે તો સારું: બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારાઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર

નવી દિલ્હી તા. ર૯ :.. જીએસટી વાર્ષિક રિર્ટન ફોર્મ અટપટુ હોવાથી સરળ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવ્યા બાદ આગામી ૧૦ ડીસેમ્બરે સરળીકરણ કર્યા બાદ જીએસટીઆર ૯ અને ૯ સીનું ફોર્મ બહાર પાડવાની જાહેરાત જીએસટી વિભાગે કરી છે. આ ફોર્મમાંથી  મોટાભાગની અટપટી વિગતો ભરવામાંથી વેપારીઓને છૂટકારો આપવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જેથી વેપારીઓ સરળતાથી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

જીએસટી લાગુ કરાયા પહેલી વખત વાર્ષિક રિર્ટન ભરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં બે કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ ૩૧ ડીસેમ્બર સુધીમાં વાર્ષિક રીટર્ન ભરવાની છેલ્લી તારીખ નકકી કરવામાં આવી છે. જયારે તેનાથી વધુ ટર્ન ઓવર ધરાવનાર વેપારીએ માટે છેલ્લી તારીખ ૩૧ માર્ચ ર૦ર૦ નકકી કરવામાં આવી છે. જેનું ફોર્મ અટપટુ હોવાના કારણે વેપારીઓની સાથે સાથે ટેકસ કન્સલટન્ટ અને સીએ દ્વારા પણ સરળીકરણ કરવાની વાત કરવામાં આવી હતી. જેથી સરળીકરણ કરવાની પ્રક્રિયા પાર પાડવામાં આવ્યા બાદ આગામી ૧૦ ડીસેમ્બરના રોજ વાર્ષિક રીટર્ન ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરવામં આવી છે. આ ફોર્મમાં વેપારીઓએ ખરીદ, વેચાણનાં ડેટા આપવાની સાથે સાથે પહેલા આઇટસીસની અલગ અલગ વિગતો ભરવાની હતી. તેના બદલે હવે તમામ આઇટીસીની વિગતો એકમાં જ ઉલ્લેખ કરવાનો રહેશે. જયારે મોટાભાગની વિગતો વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ રાખવામાં આવી હોવાથી વેપારીઓ સરળતાથી ફોર્મ ભરી શકે તે માટેનાં પગલાં ભરવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી છે. જો કે આગામી ૧૦ ડીસેમ્બરે જ ફોર્મ અપલોડ થયા બાદ સાચી હકિકત બહાર આવે તેમ છે.

(11:44 am IST)