Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બેંકોનું NPA છે રૂ. ૯.૧૮ લાખ કરોડ

બેંકોને ફસાયેલા નાણા મામલે રાહત આપવા સરકારે તૈયાર કરી યોજના

નવી દિલ્હી તા. ર૯ :.. સરકારે બેંકીંગ ક્ષેત્રને રાહત આપવા માટે મોટી યોજના તૈયાર કરી છે. સુત્રો અનુસાર, બેંકીંગ ક્ષેત્રને અટવાયેલી લોન (એનપીએ) માંથી રાહત આપવા સરકાર સ્ટ્રેસ એસેટ ફંડ યોજના લાવી શકે છે.

આ યોજનાને જલ્દી અમલમાં લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ), વડાપ્રધાન ઓફીસ (પીએમઓ), નાણા મંત્રાલય, નીતિ આયોગ વચ્ચે ઘણી મીટીંગો થઇ ચૂકી છે. સુત્રોનું કહેવું છે કે આ યોજનાની જાહેરાત બહુ જલ્દી થઇ શકે છે. આ સ્ટ્રેસ એસેટ ફંડ લાવવાનું લક્ષ્ય બેકિંગ ક્ષેત્રમાં અટવાયેલી લોન (એનપીએ) ને ખરીદીને પછી તેને વેચીને પૈસા ભેગા કરવાનું છે. આનો મોટો ફાયદો એ થશે કે બેંકોની નાણાંકીય સ્થિતી મજબુત બનશે. બેંકો પરથી એનપીઓનો બોજ ઘટશે. તેનાથી બેંકોની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે અને અર્થ વ્યવસ્થામાં તરલતા વધશે. ઉલ્લેખનીય છે કે ૧૦ વર્ષ પહેલા અમેરિકામાં પણ આ પ્રકારની યોજના બેંકીંગ ક્ષેત્રને મજબુત બનાવવા લાવવામાં આવી હતી.

બેંકોની ફસાયેલી લોનમાં સતત વધારો થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, અત્યારે ૪૪ લીસ્ટેડ બેંકોની કુલ એનપીએ લગભગ ૯.ર૭ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. હમણાં જ આરબીઆઇએ મુદ્રા યોજના હેઠળ વધતી એનપીએ બાબતે બેંકોને ચેતવણી આપી છે. વધતી એનપીએ ઓછી કરવા માટે સરકાર નાદારી કાયદો લાવી હતી. તેનાથી બેંકોને એનપીએ વસૂલવામાં મદદ મળી છે પણ હજુ પણ ઘણી સરકારી બેંકો ગંભીર નાણાકીય કટોકટી ભોગવી રહી છે. આના કારણે થોડા મહિના પહેલા આરબીઆઇએ ૧૧ બેંકોને પીસીએમાં મુકી દીધી હતી. જો કે પછીથી તેમાંથી કેટલીક બેંકોને બહાર કાઢવામાં આવી હતી.

(11:34 am IST)