Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉદ્ધવને ખેડૂત લોન માફી ૬૦,૦૦૦ કરોડમાં પડશે

પૈસા લાવવા કયાંથી? સો મણનો સવાલ

મુંબઇ, તા.૨૯: શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ત્રિપુટી સરકારને ખેડૂતોની લોનમાફી માટે રૂ. ૬૦,૦૦૦ કરોડ કરતાં વધુ ભંડોળની જરૂર રહેશે. અલબત્ત, સરકાર પર ખેડૂતોની લોનમાફીનો બોજો દૂર કરવાનો પડકારનો સામનો સૌથી પહેલા કરવો પડશે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં ભાજપના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની જેમ હવે ઉદ્ઘવ સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે લોનમાફીની આશાએ બેઠેલા ખેડૂતોની કૃષિલોનનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષમાં વધ્યું હોવાથી આટલું મોટું ભંડોળ કેવી રીતે ઊભું કરવું એ પડકાર નવી સરકાર સામે છે.

ફડણવીસ સરકારે આશરે રૂ. ૩૪,૦૦૦ કરોડની લોનમાફીની દ્યોષણા કરી હતી અને સીધા ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવામાં આવ્યાં હતાં. આ લોનમાફી રૂ. ૧.૫૦ લાખ સુધીની હતી. ઓટીએસ યોજના અંતર્ગત આશરે રૂ. ૪,૦૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાથી લોનમાફીનો લાભ ૫૧,૦૦,૦૦૦ ખેડૂતોને મળ્યો હતો. ત્રિપુટી સરકારે આ લોનમાફીનો લાભ ખેડૂતોને મળ્યો ન હોવાના આક્ષેપ કરીને સીધી લોનમાફીની જાહેરાત કરી હતી. ઠાકરે સરકાર સત્તા પર આવ્યા બાદ કેબિનેટની પહેલી બેઠકમાં આ બાબતનો નિર્ણય લેવાશે, એવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ખેડૂતોના સાતબારાના કિલયર કરવા માટે ૩૦ જૂન સુધીના પાકની લોનની બાકીની રકમની ગણતરી પણ કરવી પડશે. છેલ્લાં ત્રણ વર્ષમાં દુષ્કાળ, અતિવૃષ્ટી અને લોનમાફીની આશાને કારણે ખેડૂતોને ચૂકવવાની રકમમાં વધારો થયો છે. લોનમાફીના નિર્ણય બાદ બઙ્ખંક પાસેથી રકમનો આંકડો મંગાવવો પડશે અને લોનમાફીની આ રકમ રૂ. ૬૦,૦૦૦ કરોડ કરતાં વધુ થાય તેવી શકયતા સંબંધિત ખાતાના વરિષ્ઠ અધિકારીએ વ્યકત કરી હતી. શિવસેના નેતા દીપક કેસરકરના જણાવ્યા મુજબ ઉદ્ઘવ સરકારે લોનમાફીની જાહેરાત કરી છે. લોનમાફી માટે રૂ. ૩૪,૦૦૦ કરોડના ભંડોળમાં વધુ રૂ. ૨૬,૦૦૦ કરોડની જરૂર છે, પણ બેંક પાસેથી મેળવવામાં આવનારી માહિતીના આધારે નવી સરકાર યોગ્ય નિર્ણય લેશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેકટમાંથી સરકારના પૈસાનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણની યોજનાઓ માટે કરવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

(11:27 am IST)