Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સૌથી મોટો પડકાર આર્થિક મોરચે પડવાનો છે

મહારાષ્ટ્ર ઉપર ૪.૭ લાખ કરોડનું દેવું છોડી ગયા છે દેવેન્દ્ર ફડણવીસઃ ઉદ્ઘવ કયાંથી લાવશે પૈસા?

મુંબઇ, તા.૨૯: ઉદ્ઘવ ઠાકરેએ ગુરૂવારનાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા. આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે જયારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદને સંભાળી રહ્યો છે. આવામાં મુખ્યમંત્રી તરીકે ઉદ્ઘવ ઠાકરે સામે અનેક પડકાર છે. ઉદ્ઘવ ઠાકરેને સૌથી મોટો પડકાર આર્થિક મોરચે મળવાનો છે. આર્થિક મોરચા પર રાજયની સ્થિતિ ઠીક નથી.

વીતેલા જૂન મહિનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે ૨૦૧૯-૨૦નું અંતિમ બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર પર કરજનો બોજ ૪.૭ લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તો ૨૦૧૮-૧૯માં મહારાષ્ટ્ર સરકારની દેવાદાર ૪.૧૪ લાખ કરોડ રૂપિયા હતી, જે સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે કુલ બજેટ ૩ લાખ ૩૪,૯૩૩ કરોડ રૂપિયા રાખ્યું હતુ.

આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારનું મહેસૂલ નુકસાન વધીને ૨૦,૨૯૨.૯૪ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહેસૂલ નુકસાન ૧૪,૯૬૦.૦૪ કરોડ રૂપિયા હતુ. આ પ્રમાણે ફકત એક વર્ષમાં મહારાષ્ટ્રનું મહેસૂલ નુકસાન ૫ હજાર કરોડ એટલે કે ૩૫.૬ ટકા વધી શકે છે. જૂનમાં બજેટ રજૂ કરતા ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલું નાણાંકીય વર્ષમાં સરકારનો મહેસૂલ ખર્ચ ૩,૩૪,૯૩૩,૦૬ કરોડ રૂપિયા અને મહેસૂલ આવક ૩,૧૪,૬૪૦.૧૨ કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. તો રાજકોષીય ખાધની વાત કરીએ તો ૬૧,૬૬૯.૯૪ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની રાજકોષીય ખાધ ૫૬,૦૫૩.૪૮ કરોડ રૂપિયા હતી. આ પ્રમાણે લગભગ ૬ હજાર કરોડનો વધારો થઈ શકે છે.

મહારાષ્ટ્રનાં આર્થિક સર્વેમાં રાજયનો વિકાસ દર ૭.૫ ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે દેશનાં કુલ જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ૧૪.૪ ટકા છે. મહારાષ્ટ્રની કુલ જીડીપીની વાત કરીએ તો ૨૬ લાખ કરોડ રૂપિયાથી વધારે છે. મહારાષ્ટ્રમાં પ્રતિ વ્યકિત આવક ૧ લાખ ૯૧ હજાર ૮૨૭ રૂપિયા છે. એક વર્ષ પહેલા આ વર્ષે રાજયમાં પ્રતિ વ્યકિત આવકમાં વધારો થયો છે. મહારાષ્ટ્રનો બેરોજગારી દર ૨૦૧૭-૧૮માં ૪.૯ ટકા પર હતો.

(11:25 am IST)