Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ચૂંટણીના માહોલમા ગોત્ર ચર્ચાનો વિષય છે ત્યારે ગોત્રની શરૂઆત-મહત્વ વિશે માહિતી

ગોત્ર વિશે સામાન્ય રીતે પંડિતજીના મોઢેથી સાંભળવા મળે છે પરંતુ આજકાલ ચૂંટણીના માહોલમાં ગોત્ર ચર્ચાનો વિષય બન્યું છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને હવે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાનું ગોત્ર જણાવીને આ શબ્દને ચર્ચાસ્પદ બનાવ્યો છે. આખરે શું હોય છે ગોત્ર, કેવી રીતે થઈ શરૂઆત, શું છે ગોત્રનું મહત્વ? આગળ વાંચો

પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર હિંદુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે. ગોત્રનું નામકરણ પ્રારંભમાં કોઈને કોઈ ઋષિના નામ પર થયું. કેટલાક ગોત્રના નામ કુળદેવીના નામ પરથી પણ પ્રચલિત થયા. સામાન્ય રીતે ગોત્રનો અર્થ કૂળ અથવા વંશ પરંપરા સાથે જોડાયેલો છે. સંસ્કૃત વ્યાકરણના જનક મહર્ષિ પાણિનીની અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર આવે છે

મહાભારતના શાંતિપર્વના એક શ્લોક અનુસાર એ વખતે મૂળ રૂપે મુખ્ય ચાર ગોત્ર હતા- અંગિરા, કશ્યપ, વશિષ્ઠ અને ભૃગુ. પરંતુ જેમ સમય વીતતો ગયો તેમ જમદગ્નિ, અત્રિ, વિશ્વામિત્ર અને અગસ્ત્ય ઋષિનું નામ જોડાતાં ગોત્રની સંખ્યા આઠ થઈ. જૈન મતમાં પણ આનો ઉલ્લેખ છે.

જાતિ વ્યવસ્થા કઠોર થતાં ગોત્રનું મહત્વ વધી ગયું. એ વખતે શૂદ્રને બાદ કરતાં બાકી તમામ પોતાના નામ સાથે ગોત્ર જોડતાં હતા. ધીમે-ધીમે શૂદ્રોએ પણ પોતાના નામ સાથે ગોત્ર જોડવાનું શરૂ કર્યું. શૂદ્રો જે પરિવાર અથવા વ્યક્તિઓની લાંબા સમય સુધી સેવા કરતા હતા તેમના ગોત્રને પોતાના નામ સાથે જોડી દીધું. એ કાળમાં ક્ષત્રિય અથવા વૈશ્ય યજ્ઞ વખતે પોતાના પુરોહિતના ગોત્રના નામનું ઉચ્ચારણ કરતા હતા. એટલે દરેક સવર્ણ જ્ઞાતિના ગોત્રોના નામ પુરોહિતો કે બ્રાહ્મણોના ગોત્રના નામથી પ્રચલિત થયા.

હિંદુ ધર્મમાં સમાન ગોત્રના છોકરા અને છોકરીનું લગ્ન કરાવવું નિષેધ છે. કારણકે સમાન ગોત્ર હોવાથી છોકરા-છોકરી ભાઈ-બહેન બની શકે પતિ-પત્ની નહીં. કહેવાય છે કે જો એક જ ગોત્રમાં લગ્ન થાય તો તે દંપતિનું સંતાનમાં વિકૃતિ જોવા મળે છે. જો કે કેટલાકનું માનવું છે કે સાત પેઢી બાદ ગોત્ર બદલાઈ જાય છે. એટલે કે સાત પેઢીથી એક જ ગોત્ર ચાલતું હોય તો આઠમી પેઢી સમાન ગોત્રના વ્યક્તિ સાથે લગ્ન કરે તેના પર વિચાર કરી શકાય. જો કે આ બાબતે બહુમત નથી.

ગોત્ર માતૃવંશીય હોઈ શકે છે અને પિતૃવંશીય પણ. જો કે સમાજમાં પહેલાથી જ પિતૃવંશીય ગોત્રનું જ ચલણ જોવા મળે છે. જરૂરી નથી કે ગોત્ર કોઈ આદિપુરુષના નામે જ ચાલે. આપણા સમાજમાં ઘણી જનજાતિઓમાં વિશિષ્ટ ચિહ્નો દ્વારા પણ ગોત્ર નક્કી થાય છે, જે વનસ્પતિથી માંડીને પશુ-પક્ષી પણ હોઈ શકે છે. સિંહ, મકર, સૂર્ય, માછલી, પીપળો વગેરે સામેલ છે.

આજના સમયમાં સામાન્ય રીતે દરેકને પોતાનું ગોત્ર ખબર જ હોય છે પરંતુ જો કોઈને પોતાનું ગોત્ર ખબર ના હોય તો તેણે કશ્યપ કહી દેવું જોઈએ. આ પાછળનું કારણ છે. કહેવાય છે કે કશ્યપ ઋષિએ ઘણા બધા લગ્ન કર્યા હતા એટલે તેમના ઘણા સંતાનો પણ હતા. અને આ સંતાનો કશ્યપ સાથે જોડાયેલા હતા. આ અંગે પ્રાચીન ગ્રંથ હેમાદ્રિ ચંદ્રિકામાં કહેવાયું છે કે ગોત્ર ખબર ના હોય તો કશ્યપ ગોત્ર માની લેવું જોઈએ.

(4:41 pm IST)