Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શેરબજારમાં ટનાટન તેજીઃ ડોલર સામે રૂપિયો ૭૦ની અંદર

બપોરે ૨.૩૦ કલાકે સેન્સેકસ ૫૧૭ પોઈન્ટ વધીને ૩૬૨૩૪ અને નિફટી ૧૪૪ પોઈન્ટ વધીને ૧૦૮૭૨ ઉપરઃ ચોતરફા લેવાલીનો માહોલઃ રીલાયન્સ ઉછળ્યો, યશ બેંક તૂટયો : ડોલર સામે રૂપિયો લાંબા સમય બાદ ૭૦ની અંદરઃ બપોરે ૬૯.૯૨ ઉપર ટ્રેડ કરે છેઃ રૂપિયો ૩ મહિનાની ટોચેઃ ક્રૂડ ઘટતા રૂપિયો મજબુત

મુંબઈ, તા. ૨૯ :. અમેરિકન બજારમાં આવેલી તેજી અને ક્રૂડના ભાવમા થયેલા ઘટાડાના કારણે આજે શેરબજારમાં તેજીનુ તોફાન જોવા મળી રહ્યુ છે. બપોરે ૨.૩૦ કલાકે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૫૧૭ પોઈન્ટ વધીને ૩૬૨૩૪ અને નિફટી ૧૪૪ પોઈન્ટ વધીને ૧૦૮૭૨ ઉપર ટ્રેડ કરે છે. ડોલર સામે રૂપિયો લાંબા સમય બાદ ૬૯.૯૨ ઉપર આવી ગયો છે. રૂપિયામાં આજે ૫૭ પૈસાની તેજી જોવા મળી છે અને તે ૩ મહિનાની ટોચે પહોંચી ગયો છે.

શેરબજારમાં આજે રીલાયન્સ, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર સહિત બ્લુચીપ શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફટીમાં હિન્દાલ્કો ૪ ટકા મજબુત થયો છે તો બજાજ ફીન, એમએન્ડએમ, વેદાન્તા, બીપીસીએલ વધ્યા છે. યશ બેન્કમાં ૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. યશ બેન્ક ઉપરાંત ઓએનજીસી, કોલ ઈન્ડીયા પણ તૂટયા છે. રીલાયન્સમાં ૨.૫ ટકાની તેજી છે અને શેર ૬ સપ્તાહના ટોપ પર પહોંચી ગયો છે.

આજે ઓટો, એફએમસીજી અને મેટલ શેર ઉપરાંત ફાયનાન્સીયલ શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

રૂપિયાએ આજે મજબુતી ધારણ કરી છે. ડોલર સામે રૂપિયો બપોરે ૬૯.૯૨ ઉપર ટ્રેડ કરે છે. રૂપિયો ૩ મહિનાની ટોચે પહોંચ્યો છે. ગઈકાલે તે ૭૦.૬૨ પ્રતિ ડોલર બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે ડોલરની ડીમાન્ડ ઘટી છે જેને કારણે રૂપિયાના સપોર્ટ મળ્યો છે. લાંબા સમય બાદ રૂપિયો ૭૦ની અંદર પહોંચ્યો છે. છેલ્લા ૨૭ ઓગષ્ટે તે ૭૦ની અંદર હતો.

(2:59 pm IST)