Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હનુમાનજીને દલિત ગણાવતા સર્વ બ્રાહ્મણ સમાજ લાલધૂમ : નોટિસ ફટકારી :ત્રણ દિવસમાં માફી માંગવાનું અલ્ટીમેટમ

જયપુર :ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાના બજરંગબલીને દલિત ગણાવ્યા હતા બાદ ઘણા હિંદુ સંગઠનોને આદિત્યનાથનું આ નિવેદન ગમ્યું નથી , રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ સમાજે યોગી આદિત્યનાથ સામે નોટિસ મોકલી છે. જેમાં યોગી આદિત્યનાથને માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત કહ્યા હતા અને કહ્યુ હતુ કે જે રામભક્ત છે તે ભાજપને મત આપશે જ્યારે રાવણ ભક્ત કોંગ્રેસને મત આપશે.

 સર્વ બ્રાહ્મણ સમાજનું કહેવુ છે કે બજરંગબલી ના તો દલિત હતા, ના વંચિત અને ના લોકદેવતા. યોગી આદિત્યનાથે પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઈએ. સમાજના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ વકીલ દ્વારા યોગી આદિત્યનાથને નોટિસ મોકલી છે અને તેમને માંગવા માટે કહ્યુ છે.નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જો યોગી આદિત્યનાથ પોતાના નિવેદન માટે ત્રણ દિવસની અંદર માફી નહિ માંગે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, 'ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે જે હવે સ્વય વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સમગ્ર ભારતીય સમાજને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધાને જોડવાનું કામ બજરંગબલી કરે છે. એટલા માટે બજરગબલીનો સંકલ્પ હોવો જોઈએ.' યોગીએ કહ્યુ કે રામના જે ભક્ત છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે. જે રાવણના ભક્ત છે તે જ કોંગ્રેસને મત આપે છે. તેમણે કહ્યુ કે રામ રાજ્ય જોઈએ તો ભાજપને જ મત આપો.

(12:18 pm IST)