Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ખાલીસ્તાની ત્રાસવાદી સાથે સિદ્ધુની તસ્વીરથી હોબાળો

ખાલીસ્તાની ત્રાસવાદી ગોપાલ ચાવલા હાફિઝ સઈદની નજીકનો માણસ છે અને તે ભારત વિરોધી છેઃ અકાલીઓએ સિદ્ધુનું રાજીનામુ માગ્યુઃ રાહુલ ગાંધી પાસે ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી, તા. ૨૯ :. નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાન ગયા તેનો વિવાદ હજુ પુરો થયો નથી ત્યાં સોશ્યલ મીડીયામા જારી એક ફોટોથી તેમની આ યાત્રા વધુ વિવાદમાં પડી ગઈ છે. દિલ્હીના ધારાસભ્ય અને અકાલી નેતા મનજીંદરસિંહ સિરસાએ એક ફોટો ટવીટ કરતા સિદ્ધુની ખાલિસ્તાની ત્રાસવાદી ગોપાલસિંહ ચાવલા સાથેની તસ્વીર શેર કરી છે.

અકાલી નેતા મનજીંદરસિંહે ટવીટર પર ફોટો શેર કરતા પંજાબના મુખ્યમંત્રી અમીન્દરસિંહે સિદ્ધુને પાકિસ્તાન ન જવા કહ્યુ હતુ પરંતુ સિદ્ધુ તેમની ઈચ્છા વિરૂદ્ધ ત્યાં ગયા છે અને તેમણે ગોપાલસિંહ ચાવલા સાથે તસ્વીર પડાવી છે જે હાફિઝ સઈદનો નજીકનો માણસ છે અને તે ભારત વિરોધી છે. શું હવે અમીન્દરસિંહ આવા જવાબદાર મંત્રીને હટાવશે કે કેમ ?

સિરસાએ એક ટવીટ થકી કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યુ છે કે, મોદીથી દૂર ઉભેલા નિરવ મોદીના મામલે હોબાળ ો મચાવનાર રાહુલ ગાંધી આ ફોટો જોઈને શું કહેશે ? સિરસુએ સિદ્ધુના રાજીનામાની માંગણી કરી છે.

ગઈકાલે કરતારપુર કોરીડોર શિલાન્યાસ પ્રસંગે પાકિસ્તાની લશ્કરી વડા બાજવા સાથે ખાલીસ્તાની ત્રાસવાદી ગોપાલ ચાવલા નજરે પડયો હતો. તે બાજવા સાથે હાથ પણ મિલાવતો હતો. હવે સિદ્ધુની આ ત્રાસવાદી સાથે તસ્વીર સામે આવી છે જેનાથી હોબાળો મચી ગયો છે.(૨-૯)

 

(11:32 am IST)