Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૨૦૧૮નું વર્ષ SME IPO માટે સારૂ રહ્યું

૧૩૩ કંપનીઓએ અત્યાર સુધીમાં બાવીસ અબજ રૂપિયા ઊભા કર્યા

મુંબઇ તા.૨૯: ૨૦૧૮નું વર્ષ શેરબજાર માટે આમ તો સતત વધઘટ, ઉછાળા અને કડાકા સાથે પડકારરૂપ રહ્યું: પરંતુ નાની-મધ્યમ કંપનીઓ (સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસિસ-SME ) ના IPO માટે એ ઝમકદાર રહ્યું કહી શકાય. ૨૦૧૨માં ૧૪ કંપનીઓ, ૨૦૧૩માં ૩૫ કંપનીઓ, ૨૦૧૪માં ૪૦ કંપનીઓ, ૨૦૧૫માં ૪૩ કંપનીઓ, ૨૦૧૬માં ૬૭ કંપનીઓ, ૨૦૧૭માં ૧૩૩ કંપનીઓ અને ૨૦૧૮માં અત્યાર સુધીના સમયગાળામાં ૧૩૩ SME  કંપનીઓ  BSE અને NSE ના આ સેગમેન્ટમાં લિસ્ટિંગ માટે આવી છે. IPO ની સંખ્યા ગયા વર્ષ જેટલી જ આ વર્ષે પણ રહી છે, પરંતુ આ વર્ષે કંપનીઓએ ગયા વર્ષ કરતાં ૩૦ ટકા વધુ મૂડી ઊભી કરી છે. ૨૦૧૨માં આ સેગમેન્ટ લોન્ચ થયું એ પછી સોથી વધુ લિસ્ટિંગ આ વર્ષે થયું છે.

મેઇન બોર્ડ પર નિરાશા

બીજી બાજુ ૨૦૧૮માં માર્કેટની ડામાડોળ-વોલેટાઇલ સ્થિતિમાં મેઇન બોર્ડ પર આઇપીઓની સંખ્યા ઘટી છે. અત્યાર સુધીમાં માત્ર ૨૪૨ કંપનીઓએ મળીને ૩૧૦ અબજ રૂપિયા ઊભા કર્યા છે જે એના આગલા વર્ષની તુલનાએ અડધા કરતાં પણ ઓછા છે. ૨૦૧૭માં માત્ર ૩૬ કંપનીઓએ ૬૭૧ અબજ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું હતું.

સરકાર તરફથી SME  ને વધુ પ્રોત્સાહન અને મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાનું જોવા મળે છે. પ્રાપ્ત જાણકારી મુજબ આને લીધે નાની-મધ્યમ કંપનીઓ માટે સ્ટોકમાાર્કેટની માધ્યમથી ભંડોળ ઊભું કરવાનું સરળ બને છે.

નાના રોકાણકારોને જોખમથી દૂર

આSME મંચ પર કંપની દસ કરોડ રૂપિયાની પેઇડ અપ કેપિટલ સાથે આવી શકે છે. મેઇન બોર્ડ પર લિસ્ટિંગ મેળવવાનું કઠિન છે, કારણ કે એનાં ધોરણો બહુ કડક છે જયારે આ સેગમેન્ટ પર ધોરણો હળવાં છે.  જો કે SME  મંચ પરની કંપનીઓના સંભવિત જોખમથી નાના રોકાણકારોને દૂર રાખવા સેબીએ એમાં મિનિમમ ટ્રેડિંગ-સાઇઝ એક લાખ રૂપિયાની રાખી છે.(૧.૨)

(9:49 am IST)