Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નોટબંધીના બે વર્ષ બાદ એટીએમમાંથી દૂર થશે ૨૦૦૦ની નોટ

૧૦૦ અને ૨૦૦ની નોટની સંખ્યા વધારાશેઃ એટીએમમાં આ નોટનો ફલો વધારાશેઃ સરકારે ૨૦૦૦ની નોટ છાપવાનું પણ બંધ કર્યુ

નવી દિલ્હી, તા. ૨૯ :. નોટબંધી બાદ ચલણમાં આવેલી ૨૦૦૦ રૂ.ની નોટ ટૂંક સમયમાં એટીએમમાંથી હટાવી લેવાશે. પસંદગીના એટીએમમાંથી જ ૨૦૦૦ની નોટ કાઢી શકાશે. તેની જગ્યાએ આગામી ૪ મહિના સુધી ૫૦ ટકા એટીએમ બુથમાંથી ૨૦૦ રૂ.ની નોટ કાઢી શકાશે.

રીઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે તમામ બેંક પોતાના એટીએમ નવી કરન્સીને અનુકળ બનાવી રહ્યા છે. મોટા ભાગના એટીએમમાંથી ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ની નોટ મળશે. રીઝર્વ બેન્કનું સમગ્ર ફોકસ હવે ૨૦૦ રૂ.ની નોટ પર છે. નજીકના ભવિષ્યમાં ૨૦૦ રૂ.ની નોટનું ચલણ વધશે એટલુ જ નહિ તમામ એટીએમ એ પ્રમાણે તૈયાર કરાશે. કાનપુર સ્થિત રીઝર્વ બેન્ક કાર્યાલયમાં છેલ્લા ૩ મહિનામાં સૌથી વધુ ૨૦૦ રૂ.ની નોટની ખેપ ઉતરી છે. જેને એટીએમ બુથ અને બેંકોમાં પહોંચાડવામાં આવી રહેલ છે.

રીઝર્વ બેંકનો નિર્દેશ છે કે ૫૦૦ રૂ.નું એક બંડલ આપવાના બદલે ૨૦૦ની બે અને ૧૦૦નું એક બંડલ આપવામાં આવે.

નોટબંધી બાદ રીઝર્વ બેંકે કરન્સીની અછત ઘટાડવા માટે ૨૦૦૦ રૂ.ની નોટ બમ્પર રીતે સપ્લાય કરી હતી. પરિણામ એ આવ્યુ કે આ નોટની અછત તો ઓછી થઈ ગઈ પરંતુ લોકોની તિજોરીમાં પહોંચેલી નોટ બહાર આવી નથી. આ સ્થિતિ નોટબંધીના ૬ મહિના બાદ જ સ્પષ્ટ થઈ ચૂકી હતી.

રીઝર્વ બેન્કે નોટોના સંગ્રહનો સ્વીકાર કર્યો છે અને એક વર્ષ પહેલા જ ૨૦૦૦ રૂ.ની નોટની છપામણી ઘટાડી દીધી છે. જાણવા મળે છે કે ૨૦૦૦ રૂ.ની નવી નોટની છપામણી સાવ બંધ છે. જો કે ૨૦૦૦ની નોટ ચલણમાં છે જ. (૨-૧)

(9:49 am IST)