Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગુજરાતમાં જનસંઘના સંસ્‍થાપક સભ્‍યોમાંથી કેશુબાપા એવા લોકોમાંથી એક હતા જેઓએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી હતીઃ બહુમતિ વાળી સરકારમાં સૌપ્રથમ વાર મુખ્‍યમંત્રી બનવાનો શ્રેય કેશુભાઇ પટેલના ફાળે

અમદાવાદઃ ગુજરાતમાં જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી કેશુબાપા એવાં લોકોમાંથી એક હતાં કે જેઓએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી હતી. કેશુભાઇ પટેલબે વખત રાજ્યના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 બેઠકો જ વધુ મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતાં. જો કે ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં જ એકલે હાથે 121 બેઠકો સાથે ભાજપને જંગી બહુમતી મળી હતી. જેથી કહી શકાય કે ગુજરાતમાં જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી કેશુબાપા એવાં લોકોમાંથી એક હતાં કે જેઓએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી હતી જેનો શ્રેય કેશુબાપાને ફાળે જાય છે.

ભાજપની સંપૂર્ણ બહુમતિવાળી સરકારમાં સૌ પ્રથમ વાર CM બનવાનું શ્રેય કેશુબાપાને ફાળે

1995માં જ્યારે ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ગુજરાતમાં રચાઈ ત્યારે પ્રથમ વાર કેશુબાપા મુખ્યમંત્રી બન્યા હતાં. અત્રે નોંધનીય છે કે, ભાજપની સંપૂર્ણ બહુમતિવાળી સરકારમાં સૌ પ્રથમ વાર મુખ્યમંત્રી બનવાનું શ્રેય કેશુબાપાને ફાળે ગયુ હતું. જો કે તેના સાત મહિના બાદ તેમણે શંકરસિંહ વાઘેલા સાથેના વિવાદને પગલે રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં 1998માં ફરીથી સીએમ પદ ગ્રહણ કર્યા બાદ 2001માં તેમણે રાજીનામું આપી દીધું હતું. કહેવાઇ રહ્યું છે કે, ભ્રષ્ટાચાર અને ભુજમાં આવેલા ભૂકંપ દરમ્યાન ગેરવહીવટને પગલે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. આ ઉપરાંત તેઓ 6 વખત ધારાસભ્યના પદે પણ રહી ચૂક્યાં છે.

1995 અને 1998-2001 દરમ્યાન બે વાર CM પદે રહી ચૂક્યાં છે

મુખ્યમંત્રી પદ તરીકેના કાર્યકાળમાં પ્રથમ વાર તેઓએ 14 માર્ચ 1995ના રોજ મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી હતી પરંતુ તેઓને 21 ઓક્ટોબર 1995 સુધી 221 દિવસ સુધી જ સત્તા પર રહેવાનો જ મોકો મળ્યો હતો. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ તેમની સત્તા છીનવી લીધી હતી અને કેશુભાઇએ પ્રથમ વાર સુરેશ મહેતા માટે ગાદી ખાલી કરી આપી હતી. બાદમાં તેઓ એક વાર ફરી 1998માં મુખ્યમંત્રી પદે આવ્યાં અને 6 ઓક્ટોબર 2001ના રોજ તેમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા 3 વર્ષ અને 216 દિવસ સુધી તેઓેએ મુખ્યમંત્રી પદે રાજ કર્યું હતું.

આમ, મહત્વની વાત એ છે કે પ્રજાના વિશ્વાસ અને સમર્થન છતાં કેશુબાપા બે-બે વખત મુખ્યપ્રધાન બનવા છતાં તેમનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂરો કરી શક્યા ન હતા. તેનું કારણ સત્તા મળવાની સાથે ભાજપની અંદરનો આંતરિક કલહ ઉપરાંત પક્ષ પરના તેમના સંપૂર્ણ પ્રભાવનો અભાવ હતો. કેશુબાપાને બધા માનતા જરૂર હતા, પરંતુ કોઈને તેમનો ડર ન હતો. તેના લીધે તેમના શાસનમાં ગુજરાત ભાજપમાં આંતરિક ડખા ટોચ પર પહોંચ્યા ન હતા. તેથી જ કહેવાય છે કે જો 2001માં કેશુબાપા પાસેથી પક્ષે મુખ્યપ્રધાન પદ છીનવી લીધું ન હોત તો પક્ષે 2001માં જ ગુજરાતમાંથી સત્તા ગુમાવી દીધી હોત.

(4:51 pm IST)