Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બીએસપીના ૭ બળવાખોર ધારાસભ્યો સસ્પેન્ડ

માયાવતીએ અખિલેશ સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, તા.૨૯: ઉત્તર પ્રદેશમાં રાજયસભાની ચૂંટણીને લઈને હંગામા વચ્ચે બસપાના વડા માયાવતીએ પાર્ટીમાંથી સાત બળવાખોર ધારાસભ્યોને હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યો પર પક્ષના રાજયસભાના ઉમેદવાર સામે બળવો કરવાનો આરોપ છે. આ અંગે વિધાનસભા પક્ષના નેતા લાલજી વર્માએ માયાવતીને પોતાનો અહેવાલ આપ્યો હતો.

બસપા સુપ્રીમો માયાવતીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે કોઈ અન્ય પાર્ટી સાથે મળ્યા નથી. અમારા પરના તમામ આક્ષેપો ખોટા છે. માયાવતીએ સમાજવાદી પાર્ટીને દોષી ઠેરવી હતી. માયાવતીએ કહ્યું કે ૧૯૯૫ ગેસ્ટ હાઉસ કાંડનો કેસ પાછો ખેંચી લેવો એ ભૂલ હતી, ચૂંટણી પ્રચાર કરવાને બદલે અખિલેશ યાદવ પાર્ટી તોડવામાં રોકાયેલા છે. ૨૦૦૩ માં મુલાયમે બસપાને તોડી દીધી, તેની ખરાબ વલે થઈ હતી. હવે અખિલેશે આ કર્યું છે, તેમની ખરાબ વલે થશે. માયાવતીએ કહ્યું કે એસપીમાં પરિવારની વચ્ચે લડાઈ થઈ હતી, જેના કારણે જોડાણ સફળ થયું ન હતું. એસપી સાથે જોડાણ કરવાનો અમારો નિર્ણય ખોટો હતો.

બળવાખોર ધારાસભ્યોનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું કે તમામ સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવામાં આવશે. આ ષડયંત્ર સફળ થશે નહીં. એમએલસીની ચૂંટણીમાં સપાને જવાબ અપાશે. માયાવતીએ કહ્યું હતું કે સપાને હરાવવા બસપા પૂરી તાકાત લગાડશે. પછી ભલે ભાજપ સહિત અન્ય કોઈ પાર્ટીને વોટ કેમ ન આપવો પડે. અસલમ રાઈની (ભીનાગા-શ્રાવસ્તી), અસલમ અલી (ધોલાણા-હાપુર), મુઝતબા સિદ્દીકી (પ્રતાપપુર-અલ્હાબાદ), હકીમ લાલ બિંદ (હાંડિયા - પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ (સિધૌલી-સીતાપુર), સુષ્મા પટેલ (મુંગરા બાદશાહપુર),વંદના સિંહ - (સગડી-આઝમગઢ)

(2:46 pm IST)