Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

આમ આદમીના ગજવાને અસર કરે તેવા ફેરફારો

કૃપા કરી ધ્યાન આપો... ૧લી નવેમ્બરથી રાંધણગેસનું બુકિંગ, રેલ્વે ટાઇમ ટેબલ, બેંક ચાર્જીસ...નિયમો બદલાશે

નવી દિલ્હી તા. ર૯ :.. પહેલી નવેમ્બર ર૦ર૦ થી દેશભરમાં ઘણાં બધા નવા નિયમો લાગુ થવા જઇરહ્યા છે, જેની સીધી અસર આપણાં ખીસ્સા, આપણાં જીવન પર થશે. એક નવેમ્બરથી ગેસ સીલીન્ડરના બુકીંગથી માંડીને બેંક ચાર્જ સહિત દેશભરમાં ઘણાં નવા નિયમો લાગુ થઇ રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડીયન રેલ્વે પણ ૧ નવેમ્બરથી પોતાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરશે.

૧ નવેમ્બરથી એલપીજી ગેસ સીલીન્ડર ની ડીલીરીની આખી પ્રોસેસ બદલાવાની છે. ગેસ બુકીંગ પછી, ગ્રાહકોને મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલાશે, જે તેમણે સીલીન્ડર ડીલીવરી માટે આવેલ માણસને આપવાનો રહેશે. આ ઓટીપી ને સીસ્ટમ સાથે ચેક કર્યા પછી જ ગ્રાહકને ડીલીવરી આપવામાં આવશે. નવી સીલીન્ડર ડીલીવરી પોલિસીમાં એવા ગ્રાહકોને મુશ્કેલી વધી જશે જેમના એડ્રેસ અથવા મોબાઇલ નંબર ખોટા છે. આ સ્થિતિમાં આવા ગ્રાહકોને સીલીન્ડરની ડીલીવરી નહીં મળે. ઓઇલ કંપનીઓ તરફથી ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાનું નામ, સરનામુ અને મોબાઇલ નં. અપડેટ કરાવી લે જેથી તેમને સીલીન્ડરની ડીલીવરીમાં કોઇ મુશ્કેલી ન પડે. આ નિયમ કોમર્શીયલ એલપીજી સીલીન્ડરને નહીં લાગુ પડે.

બેંકના લોન ખાતા ધારકો મહીનામાં ત્રણ વાર પછી જેટલી વાર પણ પૈસા ઉપાડશે, તેમણે ૧પ૦ રૂપિયા આપવા પડશે. સેવીંગ્સ એકાઉન્ટ ધારકો માટે મહીનામાં ત્રણ વાર પૈસા જમા કરાવવાનું ફ્રી રહેશે પણ જો ગ્રાહક ચોથીવાર પૈસા જમા કરાવશે તો તેણે ૪૦ રૂપિયા આપવા પડશે. જયારે જનધન ખાતાધારકોને આમાં થોડી રાહત મળી છે, તેમને જમા કરવા માટે કોઇ ચાર્જ નહીં ચુકવવો પડે પણ પૈસા ઉપાડવા પર ૧૦૦ રૂપિયા ચુકવવા પડશે.

ઇન્ડીયન રેલ્વે આખા દેશની ટ્રેનોના ટાઇમ ટેબલ બદલવા જઇ રહી છે. પહેલા ૧ ઓકટોબરથી ટ્રેનોના ટાઇમ ટેબલ બદલાવાના હતા પણ કોઇપણ કારણોસર તેને લંબાવીને ૩૧ ઓકટોબર ફાઇનલ કરવામાં આવી છે. આ તારીખ પછી એટલે ૧ નવેમ્બરથી નવું ટાઇમ ટેબલ લાગુ કરવામાં આવશે. ત્યાર પછી ૧૩ હજાર પેસેન્જર ટ્રેનો અને ૭ હજાર માલગાડીઓના સમય બદલાઇ જશે. ૧ નવેમ્બરથી દેશમાં ચાલતી લગભગ ૩૦ રાજધાની ટ્રેનોના સમય પણ બદલાઇ જશે.

દેશની ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીલીન્ડરની કિંમતો નકકી કરે છે. કિંમતોમાં વધારો પણ થઇ શકે છે અને ઘટાડો પણ થઇ શકે છે. એટલે પહેલી નવેમ્બરે સીલીન્ડરના ભાવમાં પણ ફેરફાર થઇ શકે છે. ઓકટોબરમાં કંપનીઓએ કોમર્શીયલ સીલીન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો.

(11:02 am IST)