Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ફ્રાન્સમાં ફરીથી લાગૂ થયું લોકડાઉનઃ રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

કોરોના વાયરસની બીજી લહેર વધારે ખતરનાક હોઈ શકે છેઃ રાષ્ટ્રપતિ

પેરિસ, તા.૨૯: ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોએ કોરોનાને ધ્યાનમાં રાખીને દેશમાં ફરી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. તેઓએ કહ્યું છે કે કોરોના વાયરસની બીજી લહેર વધારે ખતરનાક હોઈ શકે છે. જો કડક પગલાં નહીં લેવાય તો મૃત્યુઆંક ૪ લાખ સુધી પહોંચી શકે છે.

લોકડાઉન શુક્રવારથી શરૂ કરાશે અને ૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી રહેશે. દેશમાં લાગૂ કરાયેલા પહેલાંના લોકડાઉન કરતાં થોડી છૂટછાટ વધારે મળશે. પરંતુ આ સમયે શાળાઓ, જનસેવા અને કાર્યાલય ચાલુ રાખી શકાશે. બહાર નીકળનારાઓએ સાથે ડોકયુમેન્ટ્સ રાખવાના રહેશે જેથી ખ્યાલ આવે કે તેઓ જરૂરી કામે નીકળ્યા છે. પોલીસ આ વાતનું ધ્યાન રાખશે. લોકડાઉનમાં ફરીથી રેસ્ટોરન્ટ્સ બંધ કરાશે.

ફ્રાન્સમાં કોરોના વાયરસે ફરીથી વિકરાળ રૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સમાં ૫૨૩ લોકોના મોત થયા છે. એપ્રિલ પછી આ આંક સૌથી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૩૪૧૭ નવા કેસ આવ્યા છે. સોમવારથી મંગળવારની વચ્ચે ફ્રાન્સમાં ૧૧૯૪ કેસ વધ્યા છે. રાષ્ટ્રપતિ મૈક્રો કોરોનાને ધ્યાનમાં રાખીને આપાત બેઠક પણ બોલાવી ચૂકયા છે.

(10:54 am IST)