Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

L&Tને 25,000 કરોડનું બુલેટ ટ્રેનનું ટેંડર મળ્યું :મુંબઈ-અમદાવાદ રૂટ વચ્ચે ડિઝાઇન અને બાંધકામ કરશે

આટલી મોટી રકમનો સૌથી મોટો સિંગલ ઓર્ડર :આ કરાર હેઠળ ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે

નવી દિલ્હી : ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ટોચની કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએન્ડટીને દેશના પ્રથમ 'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ' માટે સરકાર તરફથી 25,000 કરોડનું ટેન્ડર મળ્યું છે. આ કરાર મુંબઇ-અમદાવાદ વચ્ચે 237 કિ.મી.ના માર્ગની ડિઝાઇન અને બાંધકામ માટેનો છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિમી છે. એલ એન્ડ ટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.એન. સુબ્રમણ્યમે બુધવારે કહ્યું હતું કે, તેમને સરકાર તરફથી આજ સુધીનું સૌથી મોટો ટેન્ડર મેળવ્યું છે. જે રૂ. 25,000 કરોડનો ઓર્ડર છે. આ તેમના માટેનો સૌથી મોટો કરાર છે. આ સાથે આટલી મોટી રકમનો સૌથી મોટો સિંગલ ઓર્ડર છે જે સરકારે આપ્યો છે. આ કરાર હેઠળ ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાર્સન અને ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી હતી અને એવી પણ માહિતી મળી હતી કે કુલ 7 કંપનીઓ બોલીમાં સામેલ હતી. જેમાંથી લાર્સન અને ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી હતી. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ-મુંબઇ બુલેટ રેલ પ્રોજેક્ટ માટે લગભગ 1.08 લાખ કરોડની બિડ ખોલી હતી. જેમાં ગુજરાતમાં આવતા પ્રોજેક્ટનો એક ભાગ શામેલ છે. બુલેટ ટ્રેન દ્વારા બે કલાકમાં મુંબઇથી અમદાવાદ પહોંચી શકાશે.

વાપી અને વડોદરા વચ્ચે 237 કિલોમીટર લાંબી કોરિડોર બનાવવામાં આવશે. તેમાં વાપી, બીલીમોર, સુરત અને ભરૂચ અને સુરત ડેપો ચાર સ્ટેશનનો સમાવેશ થાય છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર કુલ ખર્ચનો અંદાજ 1.08 લાખ કરોડ કરવામાં આવ્યો છે, જેના માટે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી દ્વારા ફંડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

(10:23 am IST)