Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મધ્ય પ્રદેશ કોંગ્રેસના કેટલાક સભ્યો પક્ષપલટાની ફિરાકમાં

કોંગ્રેસમાં અસંતોષનો મધપૂડો ફરી સળવળ્યો : ૨૯ ધારાસભ્યો હાથનો સાથ છોડી ચૂક્યા છે, હજુ વધુ સભ્યોમાં પણ અસંતોષ હોઈ તેઓ પક્ષ છોડે એવા સંકેત

ભોપાલ, તા. ૨૮ : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારનું અધવચ્ચે જ સ્વાહા થયા બાદ પણ આગારામ-ગયારામનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. છેલ્લા ૭ મહિનામાં જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય પેટાચૂંટણીમાં ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસે સરકારમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. અત્યાર સુધીમાં ૨૬ ધારાસભ્યોએ હાથ છોડી દીધા છે. હજી પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના આ નારાજ ધારાસભ્યોના નામો આગામી કેટલાક દિવસોમાં પણ બહાર આવી શકે છે.

થોડા દિવસ પહેલા જ પેટાચૂંટણી સમયે કોંગ્રેસના એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતાં. હવે ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે, હજી પણ કોંગ્રેસના કેટલાક અન્ય ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જેથી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પેટાચૂંટણીના પરિણામો પહેલાં કોંગ્રેસને વધુ ઝાટકા મળી શકે છે. ભાજપના નેતા પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે, ભાજપમાં જોડાનારા નેતાઓનું સ્વાગત છે. તેમના આ નિવેદ્દનના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

૨૮ વિધાનસભા બેઠકો માટેની પેટાચુંટણીની જાહેરાત પછી માનવામાં આવે છે કે, ધારાસભ્યોનો ટેકો અને રાજીનામા પડવાના બંધ થઈ જશે. પરંતુ તે સિલસિલો હજી પણ ચાલુ જ છે. ભગવાનપુરાના પહેલા અપક્ષ ધારાસભ્ય  કેદાર ચિદાભાઇ દાવરે શિવરાજ સરકારને ટેકો આપવાની ઘોષણા કરી હતી. હવે કોંગ્રેસના ધારાસભ્ય રાહુલસિંહ લોધીએ વિધાનસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ સતત ભાજપ પર ખરીદી-વેચાણનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના નેતા જે.પી. ધનોપિયાનું કહેવું છે કે, જો ભાજપને આ રીતે ધારાસભ્યો ખરીદવા-વેચવાના છે, તો પછી પેટા-ચૂંટણીઓ કેમ યોજાઇ રહી છે?

(12:00 am IST)