Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી -નીતિશ કુમારને પકોડા ખવડાવજો : રાહુલ ગાંધી

બિહારની બીજા તબક્કાના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીપર ટિપ્પણ : રોજગારી, ખેડૂતોના સંદર્ભે અને લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરોની પરિસ્થિતિ પર મોદી સરકારને આડે હાથ લીધી

ચંપારણ, તા. ૨૮ : બિહારમાં એક તરફ ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન અને બીજી તરફ ધમધોકાર રીતે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. પક્ષ અને વિપક્ષના બંને દિગ્ગજ સ્ટાર પ્રચારક એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહારની ધરા પર છે. રાહુલ ગાંધીએ પશ્ચિમી ચંપારણમાં રેલી કરીને મહાગઠબંધન માટે જનતા સમક્ષ મતની અપીલ કરી છે. પોતાની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ટિપ્પણી પણ કરી છે. એનડીએના નેતાઓ પર ખોટું બોલવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણામાં એ વસ્તુ ખુટે છે કે આપણે જુઠ્ઠાણામાં તેમની સરખામણી નથી કરી શકતા. આ દરમિયાન સ્ટેજની સામે રેલીમાં રહેલા એક વ્યક્તિએ તેમને પકોડા તળવાની વાત યાદ અપાવી હતી.

પકોડા વાળી વાત યાદ અપાવતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણને રોકીને તે વ્યક્તિને પુછ્યું કે શું તમે પકોડા બનાવ્યા છે. ત્યારબાદ રાહુલે તે વ્યક્તિને કહ્યું કે હવે જ્યારે આવે ત્યારે પકોડા બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ ખવડાવી દેજો.

આ અગાઉ રાહુલ ગાંધીએ રોજગારી ના મામલે, ખેડૂતોના મુદ્દા પર નરેન્દ્ર મોદી સરકારની જબરજસ્ત ટીકા કરી. આ સાથે જ લોકડાઉન દરમિયાન મજૂરોની સ્થિતિ પર પણ સરકારને ઘેરીને તેમના પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ મજૂરોને પોતાના માદરે વતન પગપાળા જવા માટે મજબૂર કર્યા હતા.

(12:00 am IST)