Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જંગલરાજના યુવરાજ બિહારનો વિકાસ ન કરી શકે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બિહારમાં ચૂંટણી પ્રચારમાં મોદીના વિપક્ષ પર પ્રહાર : રામમંદિર માટે ભાજપને ટોણો મારનારા હવે પ્રસંશા કરે છેઃ મંદિર નિર્માણની તારીખો પુછનારા હવે તાળી પાડે છે

દરભંગા, તા. ૨૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહાર વિધાનસભાના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાને દરભંગામાં જાહેરસભાને સંબોધતા અયોધ્યા મુદ્દાનો ઉલ્લેખ કરીને લોકોને અપીલ કરી હતી કે બિહારની જંગલ રાજ સાથે તુલના કરનારા લોકો અને રાજ્યની વિકાસ યોજના માટેના ભંડોળનો દુરૂપયોગ કરનારા લોકોને હારનો સ્વાદ ચખાડજો. પીએ મોદીએ વધુમાં કહ્યું કે જે લોકો પહેલા રામ મંદિર નિર્માણમાં વિલંબ માટે ભાજપને ટોણા મારતા હતા તેઓને હવે ભાજપની પ્રસંશા કરવાની ફરજ પડી છે. માતા સિતાના જન્મસ્થળે આવીને મને આનંદ થયો છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જે રાજકીય તત્વો અગાઉ અમને રામ મંદિર બાંધકામની તારીખ અંગે સવાલ કરતા હતા તેઓને હવે તાળીઓ પાડવાની ફરજ પડી છે, તેમ મોદીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું.

પીએમએ તેમની સાથે રેલીના મંચ પર હાજર નીતીશ કુમારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેમને ભાવિ મુખ્યમંત્રી ગણાવ્યા હતા. વડાપ્રધાને બિહારની આર્થિક કાયાપલટનો શ્રેય નીતીશ કુમારને આપ્યો હતો. જંગલ રાજ માટે જવાબદાર લોકોને વધુ એક વખત હરાવવાનું લોકોએ મન બનાવી લીધું છે. તેમણે કહ્યું કે જંગલરાજના યુવરાજ બિહારનો વિકાસ કરી શકે એમ નથી. વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ ઉમેર્યું કે અગાઉની સરકારમાં સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું હતું. ક્રાઈમનો ગ્રાફ સતત ઉપર જતો હતો. ખેડૂતોનું દેવું માફ કરવાના નામે આર્થિક છેતરપિંડી આચરવામાં આવતી હતી. રોજગારી મેળવવા માટે લાંચ માગવામાં આવતી હતી. જ્યારે એનડીએ વિકાસનો પર્યાય બન્યું છે. વિકાસ માટે કેન્દ્ર દ્વારા ફાળવાતા ભંડોળ પર ડોળો રાખી રહેલા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે તેમ પીએમે જણાવ્યું હતું.  એનડીએ સરકાર અગાઉ જે લોકો સત્તામાં હતા તેમને ફક્ત કમિશનમાં રસ હતો. તેઓએ ક્યારેય મિથિલા જેવા ક્ષેત્રને અન્ય ક્ષેત્ર સાથે જોડવાની દરકાર લીધી નહતી. કેન્દ્ર-રાજ્યમાં એનડીએ સરકાર હોય ત્યારે જ કોશી મહાસેતુ જેવો પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે. મોદીએ વિખ્યાત મૈથિલી કવિ વિદ્યાપતિને યાદ કરતા સ્થાનિક ભાષામાં લોકો સાથે સંવાદ  કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને લોકોને કોરોના કાળમાં સુરક્ષિત રહેવા માટે પણ અપીલ કરી હતી.

(12:00 am IST)
  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST