Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ધનતેરસ પૂર્વે ઉંચી કિંમતોથી સોનાની ચમક ઘટે તેવા સંકેત

રોકડ કટોકટીની પણ સીધી અસર થઇ શકે : વધતી જતી કિંમતો અને મૂડીરોકાણના વિકલ્પના પરિણામ સ્વરુપે સોનામાં મૂડીરોકાણ વધુ ઘટે તેવી પ્રબળ સંભાવના

મુંબઈ, તા. ૨૮ : દિવાળી પર્વ ઉપર ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ સોનાની ચમક ઓછી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. વધતી જતી કિંમતો અને અન્ય રોકાણના વિક્લ્પો વચ્ચે લિક્વિડીટી કટોકટીના લીધે સોનાની ચમક ધનતેરસ ઉપર ઓછી જોવા મળી શકે છે. માર્કેટ નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ધનતેરસ પહેલા ઉંચી કિંમતો અને લિક્વિડીટી કટોકટી તેમજ રોકડ કટોકટીના પરિણામ સ્વરુપે સોનું તેની ચમક ગુમાવી શકે છે. જો પ્રવર્તમાન સ્થિતિ દિવાળી સુધી જારી રહેશે તો સતત બીજા વર્ષે નિરાશાજનક વેચાણના આંકડા સપાટી ઉપર આવશે. વર્ષ ૨૦૧૭માં ધનતેરસની સિઝનમાં ૨૦૧૬ની સરખામણીમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હતો જ્યારે નોટબંધીની જાહેરાત દિવાળી બાદ કરવામાં આવી ત્યારે સ્થિતિ સારી રહી હતી પરંતુ ગયા વર્ષને આ ઇન્ડસ્ટ્રી માટે હાલના વર્ષો પૈકી સૌથી નિરાશાજનક વર્ષ તરીકે ગણવામાં આવે છે. નોટબંધી, જીએસટી અમલીકરણ તથા ઉંચી કિંમતની ખરીદી માટે કઠોર કેવાયસી ધારાધોરણના પરિણામ સ્વરુપે સોનાની ખરીદી ઓછી થઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વર્ષે પણ ધનતેરસના પ્રસંગે સોનામાં સારો કારોબાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. માર્કેટમાં લિક્વિડીટીની સારી સ્થિતિ જોવા મળી રહી નથી. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નીતિન ખંડેલવાલે કહ્યું છે કે, છેલ્લા વર્ષથી ૫-૧૦ ટકા સુધીનો ઘટાડો વેચાણમાં જોવા મળી શકે છે. બુલિયન કિંમતો છેલ્લા થોડાક દિવસથી સારી રહી છે. જેના પરિણામ સ્વરુપે લોકો આગળ આવવા વિચારી રહ્યા છે પરંતુ તેના સિવાય અન્ય વિક્લ્પો પણ હોવાથી તેના ઉપર પહેલા વિચારણા થઇ રહી છે. સોનાની ખરીદી માટે ધનતેરસને શુભ દિવસ તરીકે ગણવામાં આવે છે. સોના ઉપરાંત ચાંદી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં દિવાળીની ઉજવણી શાનદારરીતે કરવામાં આવે છે. ગયા વર્ષે સોનાની કિંમત ધનતેરસ દરમિયાન પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૦૦૦ રૂપિયા થઇ ગઇ હતી. શનિવારના દિવસે સ્થાનિક સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૫૫૦ રૂપિયા નોંધાઈ હતી. જ્યારે વૈશ્વિક સ્તરે શુક્રવારના દિવસે ન્યુયોર્કમાં તેની કિંમત ઓન્સદીઠ ૧૨૩૩.૮૦ ડોલર બોલાઈ હતી. કારોબારીઓ હજુ પણ માની રહ્યા છે કે, સોનાની ખરીદી કરવા માટે કિંમતો ઉપર ધ્યાન આપ્યા વગર ધનતેરસના દિવસે લોકો આગળ આવશે.

સોનામાં ચમક ઘટશે...

*   લિક્વિડીટી કટોકટીના પરિણામ સ્વરુપે ધનતેરસ ઉપર સોનાની ચમક ઘટે તેવા સંકેત

*   સોનાની વધતી જતી કિંમતો વચ્ચે ખરીદી ઘટે તેવા સંકેત

*   મૂડીરોકાણના અન્ય વિકલ્પો હોવાથી સોનામાં ખરીદી ઘટી શકે

*   સતત બીજા વર્ષે સોનાની ખરીદી ઓછી રહેવાના સંકેત

*   વર્ષ ૨૦૧૭માં ધનતેરસની સિઝનમાં વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં ૩૦ ટકાનો ઘટાડો થયો હતો

*   ગયા વર્ષે સોનાની કિંમત ધનતેરસ દરમિયાન પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૦૦૦ રૂપિયા હતી

*   સ્થાનિક સોનાની કિંમત શનિવારના દિવસે કારોબાર બંધ રહ્યો ત્યારે પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૫૫૦ રૂપિયા રહી હતી

*   વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કમાં સોનાની કિંમત ઓન્સદીઠ ૧૨૩૩.૮૦ ડોલર રહી હતી

(12:00 am IST)