Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ કાઢવામાં મોટો રોલ ભજવી શકે કેપ્ટ્ન અમરિંદરસિંહ : પંજાબમાં અનેકવિધ અટકળ

આ કાયદાને પરત કરાવવામાં સફળ રહે છે તો પછી પંજાબમાં તેમની એક સફળ ઇનિંગ્સ શરૂ થશે !?

નવી દિલ્હી : કેપ્ટન અમરિંદર સિંહના દિલ્હી પ્રવાસને લઇને તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન તે જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના છે. આ વચ્ચે પંજાબમાં કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના રાજીનામાથી નવો વળાંક આવી ગયો છે. કેપ્ટન અમરિંદર સિંહ ભલે પોતાના દિલ્હી પ્રવાસને ખાનગી ગણાવ્યુ હોય પરંતુ પંજાબના રાજકીય ગલીમાં આ વાતની ચર્ચા છે કે તે ત્રણ નવા કૃષિ કાયદાને લઇને કોઇ મોટી પહેલ સાથે દિલ્હી પહોચ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે ખેડૂત આંદોલન ખતમ કરાવવામાં મોટો રોલ ભજવી શકે છે અને તેની માટે કેન્દ્ર સરકાર સાથે કોઇ ફોર્મૂલા તૈયાર કરાવી શકે છે.

કેપ્ટન અમરિંદર સિંહની ટીમે તમામ અટકળોને ફગાવી દીધી છે પરંતુ તેમનાથી વધુ ચિંતા કોંગ્રેસના નેતાઓને છે, જે તેમની દરેક એક્શન પર નજર રાખી રહ્યા છે. આટલુ જ નહી સિદ્ધૂના રાજીનામા બાદ કોંગ્રેસીઓનો પણ એક મોટો વર્ગ છે, જે માને છે કે આવા સંકટને કેપ્ટન અમરિંદર સિંહ જ મેનેજ કરી શકે છે. કેટલાક લોકોનું માનવુ છે કે ગાંધી પરિવારે કેપ્ટન અમરિંદર સિંહને બોલાવીને પંજાબ સંકટ પર ચર્ચા કરવી જોઇએ. બીજી તરફ કેટલાક કોંગ્રેસીઓનું કહેવુ છે કે સોનિયા ગાંધી પહેલા જ નવજોત સિંહ સિદ્ધૂના રાજીનામા માટે તૈયાર હતી.

દિલ્હી પહોચ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, હું અહી મુખ્યમંત્રી તરીકે મળેલુ કપૂરથલા હાઉસ ખાલી કરવા માટે આવ્યો છું. તે બાદ હું પોતાના ઘરે જઇશ. આ સિવાય કઇ નથી. જોકે, તે બાદ પણ અટકળો લાગી રહી છે કે ત્રણ નવા કૃષિ કાયદાને કારણે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે બનેલા ગતિરોધ દૂર કરાવવામાં મહત્વનો રોલ ભજવતા તે નવી ઇનિંગ્સની શોધમાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે આ કાયદાને પરત કરાવવામાં સફળ રહે છે તો પછી પંજાબમાં તેમની એક સફળ ઇનિંગ્સ શરૂ થશે. તે કોંગ્રેસ પર ખુલીને પ્રહાર કરી શકે છે. આટલુ જ નહી રાજ્યમાં ભાજપ માટે પણ સ્થિતિ એકદમ બદલાઇ જશે.

(9:23 pm IST)