Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઈક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં ૨૪ કેદીનાં મોત

દક્ષિણ અમેરિકાના દેશની વધુ એક જેલમાં હિંસક ઘર્ષણ : જેલમાંની હિંસા પોલીસથી સ્થિતિ કંટ્રોલમાં ન આવી તો સેનાએ વચ્ચે પડવું પડ્યું, પાંચ કલાક બાદ સ્થિતિ કાબૂમાં

ઈક્વાડોર, તા.૨૯ : દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોની જેલમાં છાશવારે હિંસક ઘર્ષણ જોવા મળે છે. તાજો મામલો ઈક્વાડોરની એક જેલમાં જોવા મળ્યો છે. જ્યાં જેલની હાઈ સિક્યુરિટીના ધજાગરા ઉડાવતા કેદીઓ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ૨૪ કેદીઓના મોત થયા છે. આ ખૂની સંધર્ષમાં ૪૮ કેદીઓ ઘાયલ થયા છે. ઈક્વાડોરની સરકારી એજન્સીએ જેલમાં વર્ચસ્વની લડાઈની આ વારદાતની પુષ્ટી કરી છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં મુજબ જેલમાં આવું ક્યારેય પહેલા જોવા મળ્યું નથી. પ્રશાસન તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ હાલાત એટલા બેકાબૂ હતા કે જ્યારે પોલીસથી સ્થિતિ કંટ્રોલમાં ન આવી તો સેનાએ વચ્ચે પડવું પડ્યું. સેનાની એન્ટ્રીના પાંચ કલાક બાદ હાલાત કાબૂમાં આવ્યા.

ગુઆસના ગવર્નર પાબલો અરોસેમેનાએ કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમના જણાવ્યાં મુજબ હિંસક સંઘર્ષમાં ગોળીઓ છૂટી, ચાકૂ લહેરાવ્યા, ધડાકા કર્યા, જેલમાં લોસ લોબોસ અને લોસ ચોનેરોઝ ગેંગ વચ્ચે આ હિંસક ઝડપ થઈ. ટીવી પર દર્શાવવામાં આવેલી તસવીરોમાં કેદીઓ જેલની બારીઓમાંથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા હતા. ગુઆસ સરકારે ટ્વિટર એકાઉન્ટથી પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં જેલના એક ભાગથી કેટલાક રસોઈયાઓ નીકળતા જોઈ શકાય છે. આ અગાઉ જુલાઈમાં દેશની એક જેલમાં થયેલા ઝઘડામાં ૧૦૦થી વધુ કેદીઓ માર્યા ગયા હતા. જ્યારે બીજી જેલમાં ૧૮ કેદીઓના મોતના અહેવાલ આવ્યા હતા.

(8:48 pm IST)