Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પંજાબમાં હાલની અસ્થિરતાથી પાકિસ્તાન ખુશ થશે : મનિષ તિવારી

પંજાબમાં રાજકીય અરાજકતા પર કોંગ્રેસમાં જ અસંતોષ : રાજકીય ઉથલ પાથલ ચાલતી રહી તો રાજ્યની શાંતિ અને સ્થિરતા પર પ્રભાવ પડશે એવો કોંગ્રેસ નેતાનો દાવો

ચંદિગઢ, તા.૨૯ : પંજાબમાં કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંહને સીએમ પદેથી રાજીનામુ આપવાની ફરજ પાડી હતી અને બીજી તરફ નવજોતસિંહ સિધ્ધુને વધારે મહત્વ આપ્યુ હતુ.

જોકે સિધ્ધુએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને પંજાબમાં કોંગ્રેસ માટે સંકટ સર્જયુ છે ત્યારે પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ ફરી કેપ્ટન અમરિન્દરસિંહના ભરપૂર વખાણ કર્યા છે. મનિષ તિવારીએ કહ્યુ હતુ કે, હાલમાં પંજાબમાં જે પ્રકારની અસ્થિરતા સર્જાઈ છે તેનાથી સૌથી વધારે ખુશી પાકિસ્તાનને થતી હશે. પંજાબમાં ૧૯૮૦ થી ૧૯૯૫ દરમિયાન ઉગ્રવાદનો માહોલ રહ્યો હતો અને પંજાબમાં શાંતિ લાવવા માટે ૨૫૦૦૦ લોકોએ બલિદાન આપ્યા હતા. આ પૈકીના મોટાભાગના કોંગ્રેસી હતા.

તેમણે કહ્યુ હતુ કે, પંજાબ બોર્ડર સ્ટેટ છે. નવા કૃષિ કાયદાના કારણે લોકોમાં અહીંયા એમ પણ આક્રોશ છે ત્યારે જો રાજકીય ઉથલ પાથલ જાહેરમાં ચાલતી રહી તો રાજ્યની શાંતિ અને સ્થિરતા પર પ્રભાવ પડશે.

તિવારીએ કેપ્ટનના વખાણ કરતા કહ્યુ હતુ કે, કેપ્ટને જે ભવિષ્યવાણી કરી હતી કે સાચી પડી છે. કેપ્ટન મોટા કદના નેતા છે અને મારા દિવંગત પિતાના નજીકના મિત્ર હતા. રાષ્ટ્રવાદ તેમના લોહીમાં છે. મને લાગે છે કે, તેમણે બહુ સારો નિર્ણય લીધો છે અને તે હંમેશા દેશના હિતમાં વિચારતા હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, કમનસીબ વાત એ છે કે, જેમને પંજાબની જવાબદારી અપાઈ તે આ જવાબદારીને સમજી શક્યા નથી. કેપ્ટન આપણા બધાના વડીલ છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને સારી રીતે સમજે છે. બહુ જરૂરી છે કે, પંજાબમાં રાજકીય સ્થિરતા આવે. ચૂંટણીની સાથે સાથે રાષ્ટ્રહિત પણ મહત્વનુ છે. જો રાજ્યમાં અસ્થિરતા વધી તો પાકિસ્તાનને પોતાના કાળા કરતૂતોને અંજામ આપવા માટે વધુ એક તક મળશે.

(7:45 pm IST)