Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બલવીર ગિરિ વાઘમ્બરી ગાદીના ઉત્તરાધિકારી બનશે

મહંત નરેન્દ્ર ગીરીના મૃત્યુ બાદ ઉત્તરાધિકારીનો નિર્ણય : ૫ ઓક્ટોબરે સોડસી ભોજના દિવસે જાહેરાત કરાશે

પ્રયાગરાજ, તા.૨૯ : અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ બાદ મઠની ગાદી પર કોણ બિરાજમાન થશે તેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. જાણવા મળ્યા મુજબ બલવીર ગિરિ મઠ વાઘમ્બરી ગાદીના ઉત્તરાધિકારી બનશે. જોકે તેની સત્તાવાર જાહેરાત ૫ ઓક્ટોબરના રોજ સોડસી ભોજના દિવસે કરવામાં આવશે. મહંત નરેન્દ્ર ગિરિના રૂમમાંથી જે સ્યુસાઈડ નોટ મળી હતી તેમાં બલવીર ગિરિનું નામ લખેલું હતું. નોટમાં બલવીરને જ ગાદીના મહંત બનાવવા માટે લખ્યું હતું.

નિરંજની અખાડાના પદાધિકારીઓના કહેવા પ્રમાણે ૨ દિવસ બાદ સંતોની એક બેઠક યોજાશે. બેઠકમાં મહોર લાગ્યા બાદ આગામી ૫ ઓક્ટોબરે સોડસી ભોજના દિવસે પંચપરમેશ્વરની બેઠક બાદ સંપૂર્ણ વિધિ વિધાનથી બલવીર ગિરિનો પટ્ટાભિષેક કરીને તેમને મઠ વાઘમ્બરી ગાદીના મહંત બનાવી દેવામાં આવશે.  સાધુ સંતોમાં સોડસી ભોજ હોય છે, મતલબ કે ૧૬મા દિવસનું ભોજન. આ ભોજનમાં મૃતક સાધુની ૧૬ ગમતી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સામાન્ય લોકોમાં ૧૩ દિવસ બાદ તેરમાના સંસ્કાર કરવામાં આવે છે પરંતુ સાધુઓમાં સોડસી મનાવવામાં આવે છે. તેમાં જે સંતનું મૃત્યુ થયું હોય તેમને ગમતી ૧૬ વસ્તુઓનું ૧૬ લોકોને દાન કરવામાં આવે છે અને એક ભોજ કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી મૃતક આત્માને ૧૬ સંસ્કારોમાંથી મુક્તિ મળી જાય છે.  આના પહેલા બલવીર ગિરિનું નામ ચર્ચામાં નહોતું પરંતુ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને મઠ વાઘમ્બરી ગાદીના મહંત નરેન્દ્ર ગિરિએ પોતાની ૧૨ પાનાની સ્યુસાઈડ નોટમાં બલવીર ગિરિના નામનો ઉલ્લેખ કરીને તેમને મઠના મહંત ઉત્તરાધિકારી બનાવવા લખ્યું હતું.

 ૩૫ વર્ષીય બલવીર ગિરિ ઉત્તરાખંડના નિવાસી છે. ૨૦૦૫માં બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિએ દીક્ષા આપી હતી અને બલવીર ગિરિએ સંન્યાસ ધારણ કરી લીધો હતો. બલવીર ગિરિ હરિદ્વારમાં બિલ્કેશ્વર મહાદેવની દેખરેખની વ્યવસ્થા જોતા હતા. મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરિથી નારાજ થઈને પોતાની બદલેલી વસીયતમાં બલવીર ગિરિને મઠના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા. હવે ૫ ઓક્ટોબરના રોજ બલવીર ગિરિ મહંતની ખુરશી પર બિરાજમાન થઈ જશે.

(7:42 pm IST)