Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ન્યુયોર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેઇજ પર નહોતા છપાયા પીએમ મોદીના વખાણ ભરેલા અહેવાલોઃ ફોટો એડીટેડ હોવાની અખબારી સ્પષ્ટતા

ન્યુયોર્ક ટાઇમ્સની સ્પષ્ટતા... નકલી છે અમારા હવાલાથી મોદીને વિશ્વની અંતિમ ઉમ્મીદ દર્શાવતો વાયરલ ફોટો

ન્યુયોર્ક તા.૨૯: વડાપ્રધાન મોદી તાજેતરમાં અમેરિકા ગયા હતા અને તે પછી સોશ્યલ મીડિયા પર એક સમાચારનો સ્ક્રીનશોટ ઘણો વાયરલ થયો હતો. જેને અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઇમ્સના હવાલાથી બતાવવામાં આવી રહ્યો હતો. આ સમાચારના સ્ક્રીનશોટમાં વડાપ્રધાન મોદીની તસ્વીર ફ્રન્ટ પેઇજ પર હતી અને આ સમાચારનું શિર્ષક હતું પૃથ્વીની અંતિમ અને સૌથી મોટી ઉમ્મીદ’.

આ સમાચારને ટ્વિટર-ફેસબુકથી લઇને વોટ્સએપ ગ્રુપમાં પણ મોટાપાયે શેર કરવામાં આવ્યા હતા. જો કે, હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે, તે ફેક ન્યુઝ હતા. ન્યુયોર્ક ટાઇમ્સે ખુદ આ સમાચારને લઇને સ્પષ્ટતા કરી છે અને આ સમાચારને લઇને એક ટ્વિટ શેર કર્યો છે.

ન્યુયોર્ક ટાઇમ્સે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, પીએમ મોદીને લઇને સર્કયુલેટ કરવામાં આવી રહેલી અનેક તસ્વીરોની જેમ આ પણ સમગ્ર રીતે નકલી ફોટો છે. ફોટોશોપ કરવામાં આવેલ તસ્વીરોને શેર કરવી અને તેને અલગ-અલગ સોશ્યલ મીડિયા ગ્રુપમાં મોકલવા એ માત્ર ખોટી માહિતી અને ભ્રમ પેદા કરવાનું છે. તેવા સમયે કે જ્યારે સત્યતાની પત્રકારીતાની સૌથી વધુ જરૂર છે.

આ ટ્વિટમાં ન્યુયોર્ક ટાઇમ્સમાં પીએમ મોદી સાથે જોડાયેલ તમામ સમાચારોને પણ એક લીંકમાં શેર કરવામાં આવી હતી.

દરમિયાન, ન્યુયોર્ક ટાઇમ્સના ખુલાસા બાદ કોગ્રેસે મોદી સરકાર ઉપર પ્રહાર કર્યો છે. કોગ્રેસે લખ્યુ છે કે, મોદી સરકાર અને તેની આઇટી સેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને શરમજનક પરિસ્થિતિમાં મુકી રહેલ છે અને સમગ્ર દુનિયા આપણા ઉપર હસે છે.

(4:07 pm IST)