Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સરદાર પટેલે દૂરંદેશી ન દાખવી હોત તો લક્ષદ્વીપ આપણે ગુમાવવું પડયું હોત : અમિતભાઇ શાહ

જેની ગુજરાતી આવૃતિનું વર્ચ્યુઅલ વિમોચન વિજયભાઈ રૂપાણીના હસ્તે 'અકિલા'ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી કરાયુ હતુ એ 'સરદાર ધ ગેમ ચેન્જર'ની હિન્દી આવૃતિનુ વિમોચન . ગીતા માણેક દ્વારા હકીકત આધારીત આલેખન

રાજકોટ તા. ૨૯ : પોણોસો વર્ષ પહેલાં હિંદુસ્તાનના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને છિન્નભિન્ન કરી નાખવાના ષડયંત્રની બાજી પલટી નાખીને ૫૫૦ થી પણ વધુ રજવાડાંઓને કોઈ મોટી જાનહાનિ વિના પોતાના કુનેહ અને કુશાગ્ર બુદ્ઘિમત્તાથી રાષ્ટ્ર સાથે જોડી દીધાં એની ગાથા વર્ણવતા પુસ્તક 'સરદાર ધ ગેમ ચેન્જર'ની હિન્દી આવૃતિનું હાલના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે દિલ્હીના તેમના સત્તાવાર નિવાસસ્થાને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જો સરદાર પટેલે આ અકલ્પનીય કાર્ય ન કર્યું હોત તો આપણે ઘણા રાજયો ગુમાવી દીધા હોત. દાખલા તરીકે આપણી નૌસેના ત્યાં પહોંચી એના બે જ કલાક પછી પાકિસ્તાનની નૌસેના લક્ષદ્વીપ પહોંચી હતી. સરદાર પટેલે દૂરંદેશી ન દાખવી હોત તો લક્ષદ્વીપ આપણે ગુમાવવું પડયું હોત.

આપણે સૌ જાણીએ છીએ કે સરદાર ન હોત તો આપણે એક રાજયમાંથી બીજા રાજયમાં જવા માટે વિઝા લેવા પડતા હોત પણ વિલીનીકરણની આ જટિલ પ્રક્રિયા તેમણે કઈ રીતે પાર પાડી, તેમને કેવા અવરોધોનો સામનો કરવો પડ્યો એ વિશે ભાગ્યે જ કોઈને જાણકારી છે.

ચાર વર્ષના ઉંડાણપૂર્વકના સંશોધન પછીસરદાર ધ ગેમ ચેન્જર પુસ્તકમાં જાણીતા લેખિકા ગીતા માણેકે વિલીનીકરણની પ્રકિયા ડોકયુ-નોવેલ એટલે કે હકીકત પર આધારિત નવલકથાના સ્વરૂપે આલેખી છે એને કારણે એ ઈતિહાસનું શુષ્ક પુસ્તક બનવાને બદલે રસપ્રદ વાંચન બને છે.

આ વિશે ગૃહ પ્રધાન અમિતભાઈએ મોડેથી ટ્વિટ પણ કર્યું હતું કે આ પ્રશંસનીય પુસ્તક દરેકે જરૂર વાંચવું જોઇએ.

આ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે પુસ્તકના પ્રકાશક કૌટિલ્ય બુકસના રાજુ અરોરા, જાણીતા પત્રકાર અને લેખક આશુ પટેલ તેમ જ જાણીતા અભિનેતા મનોજ જોશી પણ હાજર રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરદાર ધ ગેમ ચેન્જર પુસ્તકની ગુજરાતી આવૃતિનું વર્ચ્યુઅલ વિમોચન એ વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 'અકિલા'ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી કર્યું હતું. આ પુસ્તકની ગુજરાતી અને હિન્દી આવૃત્ત્િ। એમેઝોન, ફ્લિપકાર્ટ અને કૌટિલ્ય બુકસની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગીતાબેન માણેક મો.૯૮૩૩૫ ૫૪૮૦૬  e-mail : gitamanek@gmail.com

(3:48 pm IST)