Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટમાં મેઘતાંડવ રાતથી બપોર સુધીમાં ૬ ઇંચ

હવે ખમૈયા કરો મેઘરાજા... રાત્રે મેઘરાજાનું ડરામણું સ્વરૂપઃ વિજળીના કડાકા-ભડાકાઃ લોકો ભરઉંઘમાંથી જાગી ગયા :કોર્પોરેશનના ચોપડે સિઝનનો ૫૦ ઇંચ તો હવામાન ખાતામાં ૪૪ ઇંચ નોંધાયો

અનરાધાર વરસાદ જળનગરીમાં ફેરવાયુ રાજકોટ : ગઇ રાતથી શહેરમાં સતત વરસાદથી ચોતરફ પાણીનું સામ્રાજય સર્જાયુ હતું. રાજકોટ જળનગરી બની ગયુ હતું. તેવા દ્રશ્યો સર્જાયેલ. તસ્વીરમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, રેસકોર્સ રીંગ રોડ, મવડી ચોકડી, કિશાનપરા ચોક, અકિલા ચોક (રેસકોર્ષ) ઉપર વરસાદી પાણીમાંથી પસાર થઇ રહેલાં રાહદારીઓ વાહન ચાલકો દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૯: ઉપરાઉપરી મજબૂત સિસ્ટમ્સ બની રહી છે. જેની અસરથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં ગતરાત્રીના  એકદમ ડરામણો વરસાદ વરસી ગયો હતો. વરસતા વરસાદની સાથોસાથ વિજળીના કડાકા- ભડાકા સતત ચાલુ રહેતા બિહામણું સ્વરૂપ જોવા મળ્યું હતું. ગઈકાલે રાત્રે ૪ ઈંચ ખાબકી ગયા બાદ આજે બપોરે બે વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ પાણી પડી ગયું છે.

શહેરમાં ગઈકાલે દિવસ દરમ્યાન ધુપછાંવ માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ એકાએક ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. રાત્રીના ૧૨ વાગ્યા બાદ મેઘરાજાએ જોર પકડી લીધુ હતું.  એકરસ બની ગયો હતો. એકધારા વરસાદની સાથોસાથ વિજળીના કડાકા- ભડાકા પણ ચાલુ થઈ ગયા હતા. ધોધમાર વરસાદની સાથે વિજળીના કડાકા એટલા ભયંકર થઈ રહ્યા હતા કે ભરઉંઘમાં સૂતેલા શહેરીજનો જાગી ગયા હતા. સતત વિજળીના ધડાકાથી બિહામણુરૂપ જોવા મળતું હતું. બાળકોથી માંડી મોટેરાઓ પણ ડરી ગયા હતા.

મોડીરાત્રીના વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદના પગલે માર્ગો ઉપરથી પાણી વહી રહ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રીના ૧૨ થી ૩ વાગ્યા સુધી ધોધમાર ખાબકયો હતો.

દરમિયાન આજે સવારે મેઘરાજાએ  વિરામ લીધા બાદ બપોરે ૧૨ વાગ્યાથી ફરી જમાવટ શરૂ કરી દીધી હતી. આશરે દોઢેક કલાક એકધારૂ જોર રહ્યું હતું. બે ફૂટ સુધીનું કંઈ દેખાતું ન હતું. એટલો જોરદાર વરસી રહ્યો હતો.

હવામાન ખાતામાં અને કોર્પોરેશનમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ નોંધાયા બાદ આજે બપોરે બે વાગ્યા સુધીમાં ફલડકંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૪ મી.મી., ઈસ્ટ ઝોન ૨૧ મી.મી. અને વેસ્ટઝોનમાં ૩૪ મી.મી. નોંધાયો હતો. જયારે મોસમનો ૫૦ ઈંચ પાણી પડી ગયું છે. જયારે હવામાન ખાતામાં કુલ ૪૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજકોટ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:11 pm IST)