Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું

ડાંગમાં ૨૪ કલાકમાં ધોધમાર ૧૧ ઇંચ વરસાદ

વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર

ડાંગ તા. ૨૯ : ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે આહવામાં ૬.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

 વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના ૧૪ જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

જિલ્લાના ૧૪ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ પ્રભાવિત થયા છે.

ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ૨૪ કલાકમાં સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ, આહવામાં ૬.૫૨ ઇંચ, વઘઇમાં ૫ ઇંચ, સુબિરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના ૪૫થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ ૩, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૂચના હાંસોટ-વડોદરામાં ૨.૧૬, ડાંગના વઘઇમાં ૧.૮૫, સુરતના મહુવામાં ૧.૮૧, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૭ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબકયો હતો.

 આ સિવાય અન્યત્ર જયાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં બારડોલી, છોટા ઉદેપુર, વાલોદ, તારાપુર, ગરૂડેશ્વર, આંકલાવ, ચીખલી, સોનગઢ, નીઝર, વાપીનો સમાવેશ થાય છે.

ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સુચના અપાઇ છે.

(11:07 am IST)