Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કેન્દ્રે રોગચાળાને લગતા નિયંત્રણ ૩૧ ઓકટોબર સુધી લંબાવ્યા

નવી દિલ્હી,તા. ૨૯:  કેન્દ્રે દેશમાં કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા માટે લાદેલા નિયંત્રણનો અમલ ૩૧ ઓકટોબર સુધી લંબાવવાની મંગળવારે જાહેરાત કરી હતી.

અમુક રાજયમાં સ્થાનિક સ્તરે કોવિડ-૧૯નો રોગચાળો ફરી ફેલાવા લાગતા કેન્દ્રે સંબંધિત નિર્ણય લીધો હતો.

કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ દેશના બધા રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં આગામી દિવસોમાં અનેક તહેવાર આવતા હોવાથી ત્યારે કોવિડ-૧૯ના ચેપના દરદીઓમાં ફરી વધારો ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯ના દરદીઓની સરેરાશ સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ હજી પણ તહેવારોમાં લોકોએ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળવું જોઇએ. કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે તહેવારો, મેળાવડા, મેળા સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોવાથી કોવિડ-૧૯નો રોગચાળો ફરી માથું ઊંચકે એવો ભય રહ્યો છે. 

(9:49 am IST)