Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના :42થી 50 વર્ષની ઉંમરના લોકોની વીમા પોલીસી ઉતારવાના દરમાં 77 ટકાનો વધારો: સર્વે

વીમો ઉતારનાર પૈકી ઘરના મોભીઓની સંખ્યા ખુબ વધુ

નવી દિલ્હી : કોરોના મહામારીએ લોકોને પરિવાર માટે વધુ ચિંતિત કર્યા છે. વ્યક્તિના અચાનક મૃત્યુ પામવાથી પરિવાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે વીમો ઉતરાવવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. વિમાની રકમ પણ એક કરોડ અને તેના કરતા પણ વધુ પસંદ કરવામાં આવી રહી છે.  

 કોરોના દરમ્યાન જીવન વીમા પોલિસી લેનાર કુલ લોકો પૈકી 50 ટકાએ 1 કરોડ કે તેથી મોટી રકમનું કવરેજ પસંદ કર્યું હોવાની વીમાનાં વ્યવસાય સાથે સંકળાયેલી એક વેબસાઈટે માહિતી જાહેર કરી છે. માર્ચના અંતિમ સપ્તાહમાં દસ્તક દેનાર કોરોનાનો હાલના સમય કરતા એપ્રિલથી ઓગસ્ટ દરમ્યાન ડર વધુ સતાવતો હતો. કોરોનાની મહામારી દરમિયાન વીમો લઈ આમ આદમી પોતાના પરિવારનું નાણાકીય રક્ષણ કરવા પ્રયત્નશીલ નજરે પડયો છે. તકલીફ છતાં પણ પોલીસીનું કવરેજ મોટું લેવા ઉપર ભાર અપાયા છે.

એપ્રિલ-ઓગસ્ટ, 2020 દરમિયાન જીવન વીમા પોલિસી લેનારા ગ્રાહકો પૈકી મોટાભગના લોકોએ રૂપિયા 1 કરોડ અથવા તેનાથી વધુની રકમનું વીમા કવચ લીધું છે. એક અંદાજ મુજબ કોરોનાકાળમાં વીમો ઉતારનાર પૈકી ઘરના મોભીઓની સંખ્યા ખુબ વધુ છે. જેમના ઉપર ઘરનો આધાર હોય છે તેવા 42થી 50 વર્ષની ઉંમરના લોકોની જીવન વીમા પોલિસીની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વીમા પોલિસી કવરેજના સામાન્ય દરની સરખામણીએ 77 ટકાનો વધારો આંકવામાં આવી રહ્યો છે.

ચાલુ વર્ષે જીવન વીમા પોલિસી કવરેજમાં 30 ટકા હિસ્સો 31થી 35ની ઉંમરના લોકોનો રહ્યો છે. કોરોનના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં જીવન વીમા ક્ષેત્રમાં સારો બિઝનેસ જોવા મળી રહ્યો છે. પરિવારના મુખ્ય વ્યક્તિ જેમના ઉપર પરિવારની કમાણીનો આધાર છે તે લોકો વધુમાં વધુ વીમા પોલિસી ખરીદી તેમની ગેરહાજરીના સંજોગો સર્જાય તો તે સામે પરિવારને નાણાકીયરૂપે સુરક્ષિત કરવા માગે છે.

(11:18 pm IST)