Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગુલાબ નબી આઝાદને જમ્મુ- કાશ્મીર જઈને કોંગ્રેસનું કામ કરવા સોનિયા ગાંધીનો આદેશ

આઝાદ સામે સાણસા વ્યૂહ : કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાવાની તક નથી કોંગ્રેસ બીજા રાજ્યમાંથી આઝાદને મોકલવા ઈચ્છુક નથી

નવી દિલ્હી : કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને સોનિયા ગાંધીને પત્ર લખનારા કોંગ્રેસી નેતાઓની આગેવાની લેનારા ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીર જઈને કોંગ્રેસ માટે કામ કરવા કહી દેવાયું છે. આઝાદ હાલમાં રાજ્યસભામાં કોંગ્રેસના નેતા છે પણ તેમની મુદત ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પૂરી થાય છે.

આઝાદ ૨૦૧૫માં જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા પણ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી તેથી આઝાદ માટે ફરી કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાવાની તક નથી. કોંગ્રેસ બીજા રાજ્યમાંથી આઝાદને મોકલવા ઈચ્છુક નથી.

આઝાદને કહી દેવાયું છે કે, હવે કોઈ રાજ્યમાંથી કોંગ્રેસ રાજ્યસભાના સભ્યોને મોકલી શકે તેમ કાશ્મીર જઈ કોંગ્રેસને મજબૂત કરવા મચી પડો કે જેથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જીતવાની તક વધે. સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે જ આઝાદને આ સંદેશો આપી દેવાયેલો.

આઝાદ વરસોથી દિલ્હી જ રહ્યા છે. કાશ્મીરમાં કાર્યકરો સાથે તેમનો સીધો સંપર્ક નથી તેથી તેમણે બીજા વિકલ્પ વિચારવા માંડયા છે. સંસદના શિયાળુ સત્ર પહેલાં એ કોઈ ધડાકો કરશે એવી શક્યતા છે.

(5:30 pm IST)