Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્‍પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં નમામિ ગંગે મિશન હેઠળ 6 મેગા પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું. આ પ્રોજેક્ટ્સમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સામેલ છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગંગાને સમર્પિત એક મ્યુઝિયમનું પણ લોકાર્પણ કર્યું. આ મ્યુઝિયમ હરિદ્વારના ગંગા કિનારે ચાંદની ઘાટ સ્થિત છે. પીએમ મોદીએ આ અવસરે જન જીવન મિશનના લોગોનું પણ અનાવરણ કર્યું. આ ઉપરાંત આ અવસરે તેમણે કૃષિ બિલો પર રમાઈ રહેલા રાજકારણને લઈને વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક આપી રહી છે તો આ બધા વિરોધ પર ઉતરી પડ્યા છે. આ લોકો ઈચ્છે છેકે દેશનો ખેડૂત ખુલ્લા બજારમાં પોતાનો પાક વેચે નહીં. જે ઉપકરણોની ખેડૂતો પૂજા કરે છે તેમને આગ લગાવીને હવે ખેડૂતોને અપમાનિત કરે છે.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે માં ગંગાની નિર્મળતાને સુનિશ્ચિત કરનારા 6 પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જળ જીવન મિશન ભારતના ગામડાઓમાં દરેક ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું એક મોટું અભિયાન છે. આ મિશનનો લોગો લોકોને પાણીનું એક એક ટીપું બચાવવાની પ્રેરણા આપશે. ઉત્તરાખંડમાં ઉદગમથી લઈને ગંગાસાગર સુધી દેશની લગભગ અડધી વસ્તીની પાણીની તરસ ગંગાના પાણીથી છીપાય છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગંગાની સભાઈ માટે ચલાવવામાં આવેલા અભિયાનોમાં ન તો જનભાગીદારી હતી કે ન તો દૂરંદર્શિતા. અમે નવી સોચ સાથે આગળ વધી રહ્યા છીએ. નમામિ ગંગે મિશન ફક્ત ગંગાની સફાઈ સુધી સીમિત નથી પરંતુ તે દેશનો સૌથી મોટો નદી સંરક્ષણ કાર્યક્રમ છે. ગંગાજળમાં ગંદુ પાણી રોકવા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળ બિછાવવામાં આવી રહી છે. ગંગાના કિનારે વસેલા 100 શહેરોને ખુલ્લામાં શૌચમુક્ત કરાયા છે.

નમામિ મુશન યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ પૂરા થયા છે અને અન્ય કેટલાક પર કામ ચાલુ છે. છેલ્લા 6 વર્ષોમાં ઉત્તરાખંડની સીવેજ ટ્રીટમેન્ટની ક્ષમતા લગભગ 4 ગણી થઈ છે. ઉત્તરાખંડમાં ગંગામાં પડતા મોટાભાગના નાળા બંધ કરાયા છે. આજે અહીંથી દેશનો પહેલો ચાર માળનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયો છે. હરિદ્વાર કુંભ દરમિયાન સમગ્ર દુનિયાના લોકોને નિર્મળ ગંગામાં સ્નાન કરવાની તક મળશે. હરિદ્વારમાં ગંગાનો રિવર ફ્રન્ટ બનીને તૈયાર છે. નમામિ ગંગે મિશન હેઠળ હવે ગંગા સંલગ્ન સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થા અને પર્યાવરણ પર ધ્યાન અપાઈ રહ્યું છે. ગંગાના કિનારે જૈવિક ખેતી, અને ઔષધીય છોડ લગાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મેદાન વિસ્તારમાં આ અભિયાનને મિશન ડોલફિનથી પણ મદદ મળશે.

પીએમ મોદીએ કહ્યું કે પહેલા પાણી જેવો વિષય અનેક મંત્રાલયોમાં વહેંચાયેલો હતો. આ તમામ વચ્ચે પરસ્પર તાલમેળ નહતો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી પહોંચ્યું નથી. પહાડોમાં પીવાના પાણી માટે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે જ જળ શક્તિ મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. બહુ ઓછા સમયમાં આ મંત્રલયે પાણી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. પીએમ મોદીએ જણાવ્યું કે ફક્ત એક વર્ષમાં બે કરોડ પરિવાર સુધી પીવાનું પાણી પહોંચ્યું છે. ઉત્તરાખંડમાં ફક્ત એક રૂપિયામાં પીવાના પાણીનું કનેક્શન અપાય છે. વર્ષ 2022 સુધી ઉત્તરાખંડના તમામ ઘરો સુધી પીવાના પાણીનું કનેક્શન પહોંચી જશે. તેમણે કહ્યું કે જળ જીવન મિશન ગ્રામ સ્વરાજ મિશનને મજબૂત કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે પહેલા દિલ્હીમાં બેસીને બધુ પ્લાનિંગ થતું હતું. પરંતુ હવે જળ મિશન હેઠળ તમામ પ્લાનિંગ ગામડાના લોકો કરે છે. પાણીના પ્રોજેક્ટનું પ્લાનિંગ અને દેખભાળની સંપૂર્ણ વ્યવસ્થા હવે ગ્રામ પંચાયત અને પાણી સમિતિઓ કરશે. સમિતિઓના 50 ટકા સભ્યો ગામની મહિલાઓ રહેશે. પાણીની જરૂરિયાત અને તેના વધુ સારા મેનેજમેન્ટનું કામ મહિલાઓ સારી રીતે કરે છે. જળ જીવન મિશન ગામડાના લોકોની પીવાના પાણીની સમસ્યાને દૂર કરવાની તક આપશે. 2 ઓક્ટોબરથી આ મિશન હેઠળ એક 100 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે.

કૃષિ બિલો પર રમાઈ રહેલા રાજકારણ મુદ્દે વિરોધીઓ પર પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ બિલો પર રમાઈ રહેલા રાજકારણને લઈને વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક આપી રહી છે તો આ બધા વિરોધ પર ઉતરી પડ્યા છે. આ લોકો ઈચ્છે છેકે દેશનો ખેડૂત ખુલ્લા બજારમાં પોતાનો પાક વેચે નહીં. જે ઉપકરણોની ખેડૂતો પૂજા કરે છે તેમને આગ લગાવીને હવે ખેડૂતોને અપમાનિત કરે છે.

પીએમ મોદીએ સાથે સાથે એમ પણ કહ્યું કે આજે કેન્દ્ર સરકારે ખેડૂતોને તમામ બંધનોથી મુક્ત કર્યા છે. આજે ખેડૂત પોતાનો પાક દેશમાં ગમે ત્યાં વેચી શકે છે. પરંતુ કેટલાક લોકો નથી ઈચ્છતા કે ખેડૂતોને તેમનો પાક ક્યાંય પણ વેચવાનો અધિકાર આપવામાં આવે. આજે કેટલાક લોકો એમએસપી પર ભ્રમ ફેલાવી રહ્યા છે. ખેડૂતોને MSP અને ક્યાંય પણ પાક વેચવાનો અધિકાર બંને મળશે. ખેડૂતોને પોતાનો પાક ક્યાંય પણ વેચવાનો અધિકાર મળવાથી હવે વચેટિયાઓની કાળી કમાણી બંધ થઈ જશે અને એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે. ડિજિટલ ઈન્ડિયા, જન ધન ખાતા અને જીએસટીથી બધાને ફાયદો થયો છે.

ઉત્તરાખંડનો સીવર પ્લાન્ટ

- ઉત્તરાખંડના જગજીતપુર, હરિદ્વારમાં 230.32 કરોડ રૂપિયાના ખર્ચે 68 મેગાલીટર અને 19.64 કરોડ રૂપિયાના ખર્ચે 27 એમએલડી એસટીપી બનાવવામાં આવ્યા છે.

- સરાય, હરિદ્વારમાં 12.99 કરોડના ખર્ચે 18 એમએલડી એસટીપી બનીને તૈયાર થયા છે.

- ચંદ્રનગર, ઋષિકેશમાં 41.12 કરોડ રૂપિયાના  ખર્ચે 7.50 એમએલડી એસટીપી બન્યા.

- લક્કડઘાટ, ઋષિકેશમાં 158 કરોડ રૂપિયાના ખર્ચે 26 એમએલડી એસટીપી બન્યા.

- બદ્રીનાથમાં 18.23 કરોડ રૂપિયાના ખર્ચે એક એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો.

- મુની કી રેતી, ટિહરીમાં 39.32 કરોડ રૂપિયાના ખર્ચે 5 મેગાલીટરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો છે.

આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે ઉત્તરાખંડમાં ગંગા નદીના કિનારે મોટા પાયે ઔષધીય છોડ અને ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હરિદ્વાર, ઋષિકેશ, મુની કી રેતી, અને બદ્રીનાથમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાનનું લોકાર્પણ થશે. ઉત્તરાખંડમાં જે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યા છે તે બધા અત્યાધુનિક છે. તેના દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને કમ્પોસેટમાં બદલવામાં આવશે.

(5:04 pm IST)