Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી

આમ જનતાની મુશ્કેલીમાં વધારો : લોકડાઉન બાદ માંડ બેઠી થઈ રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે દાળ મોંઘી થતાં દેશવાસીઓની ચિંતા વધી

નવી દિલ્હી, તા.૨૯: કોરોનાના આ સંકટમાં સામાન્ય માણસોની મુશ્કેલીઓ રોજેરોજ વધતી જઈ રહી છે. એક તરફ બે મહિનાથી શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ હવે દાળોના ભાવ પણ વધવા લાગ્યા છે. દિલ્હી સહિત મોટા શહેરોમાં દાળોના ભાવ ૧૫દ્મક ૨૦ રૂપિયા સુધી વધી ચૂકયા છે. ગયા વર્ષે આ અવધિમાં ચણા દાળના ભાવ ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો હતો પરંતુ આ વખતે તે ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. તુવેર દાળ ૧૧૫ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે.

વેપારીઓની માંગ છે કે સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નેફેડ)ને સપ્લાય વધારવા માટે પોતાનો સ્ટોક રિલીઝ કરવો જોઈએ. સપ્લાયમાં ઘટાડો આવ્યો છે. જયારે ડિમાન્ડ સતત વધી રહી છે. તેથી વેપારીઓએ ૨૦૨૦-૨૧ માટે આયાત કોટાની માંગ કરી છે. જોકે, સરકારનું માનવું છે કે આપૂર્તિની સ્થિતિ ઠીકઠાક છે અને આગામી ત્રણ મહિનામાં ખરીફ સીઝનના પાક બજારમાં આવવાની શરૂઆત થઈ જશે. આ વર્ષે બમ્પર ઉપજનું અનુમાન છે.

નોંધનીય છે કે, હાલમાં કૃષિ કમિશ્નર એસકે મલ્હોત્રાએ ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેન્સ એસોસિએશન (આઈપીજીએ) દ્વારા આયોજીત એક વેબિનારમાં જણાવ્યું હતું કે ભારતને આશા છે કે ખરીફ સીઝનમાં દાળોનું કુલ ઉત્પાદન ૯૩ લાખ ટન હશે. તુવેરનું ઉત્પાદન ગયા વર્ષના ૩૮.૩ લાખ ટનની સામે આવ વર્ષે વધીને ૪૦ લાખ ટન થવાની આશા છે.

દાળોના ભાવ કેમ વધી રહ્યા છે? - વેપારીઓનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન તુવેરનો ભાવ ૯૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વધી ગયો, જે બાદમાં ૮૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઘટી ગયો. જોકે હવે ભાવ ફરીથી વધવા લાગ્યા છે. તહેવારની સીઝનની માંગના કારણે દાળોના ભાવમાં તેજી આવી છે.વેપારીઓને ડર છે કે કર્ણાટકમાં તુવેરના પાકને વધુ વરસાદથી નુકસાન થશે. ઉપજમાં ૧૦%નું નુકસાન થઈ શકે છે. આશા છે કે જયાં સુધી નવો પાક નહીં આવે, ત્યાં સુધી ભાવો મજબૂત રહેશે.

આયાતકારોએ ૨૦૨૦-૨૧ માટે તુવેર માટે આયાત કોટા જાહેર કરવાની માંગ કરી છે. સરકારે એપ્રિલમાં ૪ લાખ ટન તુવેરની આયાત કોટાની ઘોષણા કરી હતી, જેની હજુ પણ ફાળવણી નથી કરવામાં આવી. તેમાંથી બે લાખ ટન તુવેરને મોઝામ્બિકથી આયાત કરવાની હતી.

આયાત કોટા હવે ફાળવવામાં આવી રહ્યા છે જેથી આયાત થઈ શકે. દુનિયાના બજારોમાં તુવેર ઓછી ઉપલબ્ધ છે, કારણ કે ભારતના સ્થાનિક તુવેરમાં વૃદ્ઘિ બાદ આંતરરાષ્ટ્રીય ખેડૂતોએ તુવેરથી બીજા પાકો તરફ વલણ કરી દીધું છે.

(3:22 pm IST)