Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બેંગલુરૂમાં દોડશે હાઇપર લૂપ ટ્રેન : એક કલાકનો પ્રવાસ દસ મિનિટમાં પૂરો કરશે

આવી ટ્રેનો કલાકના ૧૩૦૦ કિલોમીટરની ઝડપે દોડતી હોય છે

બેંગલુરૂ,તા. ૨૯: કર્ણાટકના લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં બેંગલુરુ થી કેમ્‍પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચવું સરળ બનશે. આગામી દિવસોમાં તમે ફક્‍ત ૧૦ મિનિટમાં બેંગ્‍લુરુના કોઈપણ ભાગથી એરપોર્ટ પર પહોંચી શકશો. હાલ એરપોર્ટ પર પહોચવામાં એક કલાકથી વધુ સમય લાગે છે. પરંતુ હવે હાયપરલૂપ ટેકનોલોજી દ્વારા આ શક્‍ય બનશે. બેંગલુરુ શહેરથી કેમ્‍પેગૌંડા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ વચ્‍ચેનું અંતર આ ટ્રેન માત્ર દસ મિનિટમાં પૂરૂં કરશે.

બેંગલુરુમાં હાઇપર લૂપના નામે ઓળખાતી કેપ્‍સ્‍યુલ આકારની મેગ્નેટિક ટ્રેન દોડતી થશે. આવી ટ્રેનો કલાકના ૧૩૦૦ કિલોમીટરની ઝડપે દોડતી હોય છે. એનો અર્થ એ કે એક કલાકનો પ્રવાસ આ ટ્રેન ફકત દસ મિનિટમાં પૂરો કરશે.

એક અહેવાલ મુજબ અમેરિકાની ધ હાઇપર લૂપ કંપનીએ રવિવારે બેંગલુરુ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપની સાથે એક મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેંડિંગ (એમઓયુ) કર્યા હતા. આ હાઇપર લૂપ કોરિડોરની વ્‍યવહારુતા (ફિઝિબિલિટી સ્‍ટડી) તપાસવા માટેના આ એમઓયુ હતા. આ અભ્‍યાસ છ મહિનામાં બે તબક્કામાં પૂરો કરી દેવાની ધારણા હતી.

શરૂમાં આ ટ્રેન કલાકે ૧૦૮૦ કિલોમીટરની ઝડપે દોડશે. બેંગલુરુ એરપોર્ટથી બેંગલુરુ શહેરના હાર્દ સુધી આ ટ્રેન શરૂમાં દોડશે.

બેંગલુરુ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્‍ટર હરિ મરારે કહ્યું હતું કે બેંગલુરુ એરપોર્ટને પરિવહન હબ તરીકે વિકસાવવાના અને ભારતના નવા પરિવહન હબના પ્રવેશદ્વાર તરીકે સ્‍થાપવાના પ્રયાસ રૂપે અમે હાઇપર લૂપ લાવી રહ્યા છીએ. ગ્‍લોબલ પરિવહનની સાથે તાલ મિલાવવા આ એક મહત્ત્વનું પગલું હતું. માત્ર કર્ણાટક રાજય નહીં, સમગ્ર દેશ માટે આ એક નવોન્‍મેષ હશે. હાલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટમાં એક નવું ટર્મિનલ બાંધવાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી હતી. એની સાથે તાલ મિલાવવા અમે આ એમઓયુ કર્યું હતું.

(10:42 am IST)