Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉમા ભારતી AIIMSમાં દાખલ થયા

બાબરી મસ્જિદના કેસમાં બુધવારે CBI કોર્ટમાં હાજર રહેવા માગુ છું: ઉમા ભારતી

દેહરાદૂન, તા.૨૯: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ થવાના ત્રણ કારણ જણાવ્યા છે. આ કારણોમાં એક છે કે તેઓ બાબરી મસ્જિદના મામલે ઉત્તર પ્રદેશમાં કોર્ટમાં હાજર થવા માગે છે.

બાબરી વિધ્વંસ મામલામાં લખનઉમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ૩૦ સપ્ટેમ્બરના રોજ ચુકાદો સંભળાવશે. ૨૮ વર્ષ જૂના આ કેસમાં ઉમા ભારતી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોગર જોષી સહિત અન્ય આરોપીઓ છે.

ઉમા ભારતીએ સોમવારના રોજ ટવીટ કરીને કહ્યું કે, હું તાજેતરમાં જ એઈમ્સ ઋષિકેષમાં દાખલ થઈ ગઈ છું. તે પાછળના ત્રણ કારણ છે. પહેલું કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધનજી અત્યંત ચિંતા કરી રહ્યા છે, બીજું મને રાત્રે તાવ ચઢી ગયો હતો અને ત્રીજો એઈમ્સમાં મેડિકલ તપાસ બાદ જો મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો હું પરમદિવસે સીબીઆઈ કોર્ટમાં હાજર થવા માગું છું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પોતાના સ્વાસ્થ્યના મામલે સતત જાણકારી જાહેર કરતી રહે છે. આ અગાઉ તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી તેમને સામાન્ય તાવ આવતો હોવાના કારણે  તેમણે પોતાના રિપોર્ટ કરાવ્યા હતા. તેમણે આ અગાઉ જાણકારી આપીને કહ્યું હતું કે તેમણે પ્રશાસનની ટીમને આ અંગે જાણકારી આપીને  પોતાના ઘરે બોલાવીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

(10:16 am IST)