Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના હજુ કેટલા ખરાબ દિવસો દેખાડશે

૯ મહિનાનો ઉત્પાત : ૧૦ લાખથી વધુના મોત

વિશ્વભરમાં કોરોના ડાકલા વગાડે છે : કુલ મોતનો આંકડો ૧૦,૦૬,૩૪૪ થયો : ૩.૩૫ કરોડ લોકો સંક્રમિત : અમેરિકા - યુરોપમાં જોવા મળી કોરોનાની બીજી લહેર : લોકોમાં ફફડાટ

નવી દિલ્હી તા. ૨૯ : કોરોના વાયરસે માત્ર વિશ્વભરમાં તબાહી મચાવી છે એટલું જ નહિ તેણે લોકોના જીવન જીવવાની રીતો પણ બદલાવી નાખી છે. કોરોના વાયરસના વિસ્ફોટના ૯ મહિના વિતી ગયા છે પરંતુ હજુ પણ તેનું તાંડવ ચાલુ જ છે. રોજ લાખો લોકો તેના સાણસામાં આવે છે અને હજારોની સંખ્યામાં મોત થઇ રહ્યા છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં મોતનો આંકડો ૧૦ લાખની ઉપર પહોંચી ગયો છે. અમેરિકાના જોન હોપકીન્સ યુનિ.ના જણાવ્યા પ્રમાણે કોરોનાથી વિશ્વભરમાં ૧ મિલિયનથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે.

કોરોના વાયરસથી મોતનો આ આંકડો જરૂસલેમ કે ઓસ્ટીમ કે ટેકસાસની વસ્તીથી પણ વધુ છે. જે ૨૦૦૪ના ભૂકંપ અને હિંદ મહાસાગરમાં આવેલ સુનામીથી મરનાર લોકોની સંખ્યાથી ૪ ગણા વધુ છે. કોરોનાના કહેર એ બાબતથી જાણી શકાય કે રોજ આ ખતરનાક મહામારીથી સરેરાશ પાંચ હજાર લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. મોતના વધતો આ આંકડો વધુ પણ ભયાનક એટલા માટે થઇ રહ્યો છે કે હજુ સુધી કોઇ વેકસીન બહાર આવી નથી કે સફળ થઇ નથી.

યુરોપમાં તો કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. અમેરિકામાં પણ આવુ થવાની શકયતા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૨ લાખ ૫ હજાર લોકોના મોત થયા છે. જે વિશ્વભરમાં સૌથી વધુ છે. વિશ્વભરમાં કોવિડ-૧૯ના કેસ ૩૩ મિલિયનને પાર કરી ચૂકયા છે. જો કે ૨૩ મિલિયન રિકવરી પણ થયા છે.

ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૯૫ હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. બ્રાઝીલમાં ૧,૪૨,૦૦૦ લોકોના મોત થયા છે. મેકિસકોમાં ૭૬ હજારના લોકોના મોત થયા છે.

સત્તાવાર આંકડા મુજબ કોરોનાથી અત્યાર સુધીમાં ૧૦,૦૬,૩૪૪ લોકોના મોત થયા છે અને સંક્રમિતોનો આંકડા ૩,૩૫,૪૬,૬૬૨ થયો છે. હજુ પણ ૭૬૮૪૧૪૯ લોકો સારવાર લઇ રહ્યા છે.

(10:15 am IST)