Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કાલે બાબરી વિધ્વંશ કેસનો ચુકાદો : સર્વત્ર ઉત્તેજના

૬ ડિસેમ્બર ૧૯૯૨ના અયોધ્યામાં વિવાદીત માળખુ તોડી પાડવામાં આવ્યું એ મામલામાં ૨૮ વર્ષ બાદ સીબીઆઇની ખાસ અદાલત પોતાનો ફેંસલો સંભળાવશે : અડવાણી, જોષી, ઉમા સહિત શિવસેના, વિહિપના અનેક નેતા આરોપી છે : શું આ નેતાઓ કોર્ટમાં રૂબરૂ હાજર થશે : જબરી ચર્ચા

નવી દિલ્હી તા. ૨૯ : અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વિવાદીત માળખાના વિધ્વંશ મામલામાં સીબીઆઇની ખાસ અદાલત ૨૮ વર્ષ બાદ આવતીકાલે પોતાના ફેંસલો સંભળાવશે. સીબીઆઇ કોર્ટનો ફેંસલો શું હશે એ બાબતને લઇને જબરી ઉત્તેજના છે. આ મામલામાં ભાજપ, શિવસેના તથા વિહિપના વરિષ્ઠ નેતાઓની સાથે સાધુ-સંતો પણ આરોપી છે. આ ફેંસલા પહેલા જ ૧૮ આરોપીઓના મોત થયા છે. બાકીના જીવનના અંતિમ પડાવમાં રામ મંદિર નિર્માણ શરૂ થવાથી ઘણા ખુશ છે પરંતુ તેઓ માટે આવતા ૨૪ કલાક ભારે છે.

આ દરમિયાન રામનગરી અયોધ્યામાં સર્વત્ર એક જ ચર્ચા છે કે આવતીકાલે શું છે. સૌની નજર આવતીકાલના ફેંસલા પર કેન્દ્રીત થઇ છે. ફેંસલો આપતા પહેલા કોર્ટ સમક્ષ સીબીઆઇના ખાસ જજ સુરેન્દ્રકુમાર યાદવ સામે ૩૫૧ સાક્ષીઓ રજૂ થયા છે તો ૬૦૦ દસ્તાવેજ પણ રજૂ થયા છે.

માળખુ તૂટયાના મામલામાં કુલ ૪૯ એફઆઇઆર નોંધવામાં આવી હતી.

આ દરમિયાન વિધ્વંશ મામલામાં આરોપી કેટલાક વરિષ્ઠ નેતાઓ કોર્ટમાં હાજરી આપવામાંથી મુકતીની માંગણી કરી શકે છે. ૩૨ આરોપીમાંથી કેટલાક આરોપી જેમ કે અડવાણી, મુરલી જોશી જેવા લોકો કોરોના મહામારી અને ઉંમરનો હવાલો આપી અદાલત પાસે વિડીયો કોન્ફરન્સીંગ સાથે જોડાવાની માંગણી કરી શકે છે.

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વિવાદીત માળખાના વિધ્વંશની ઘટના પર આવતીકાલે ફેંસલો આવવાનો છે ત્યારે લખનૌમાં ખાસ અદાલત આસપાસ સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી છે. અત્રે એ નોંધનિય છે કે ૧લી સપ્ટેમ્બરે આ મામલામાં બચાવ અને ફરિયાદીની દલીલો પૂરી થઇ હતી. બીજી તારીખથી કોર્ટે ફેંસલો લખવાનું શરૂ કર્યું હતું.

(10:14 am IST)