Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાકિસ્તાન કયા દિવસે સુધરશે? નાપાક હરકતો બંધ કરતું જ નથીઃ કાશ્મીર પ્રશ્ને બેચેન દેશ ઉતર્યુ હલકટાઇ ઉપર

પાકિસ્તાનનું 'પાગલપન': 'ગજનવી' મિસાઇલ પરિક્ષણ

પૃથ્વી-ર અને ૩, ધનુશ તથા બૃહપેસ સામે 'ગજનવી' બચ્ચુઃ ભારતીય મિસાઇલ ક્ષમતા સામે પાકિસ્તાન ટુંકુ પડે

નવી દિલ્હી, તા.૨૯: કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને દુનિયાનું ધ્યાન ખેંચવા માટે ગુરૂવારે બેલેસ્ટિક મિસાઇલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. મિસાઇલ પરીક્ષણ પર ઇમરાન ખાને પાકિસ્તાનના વૈજ્ઞાનિકો અને સેનાને શુભેચ્છા પાઠવી.

જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણય બાદથી પાકિસ્તાન બેચેન છે અને આજે તેને ગજનવી બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના મતે પાકિસ્તાને કરાચી પાસે સોનમિયાની ઉડાન પરીક્ષણ કેન્દ્રથી મિસાઇલ ટેસ્ટ કર્યો. કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સ્તરથી ખાસ સમર્થન ના મળતા પાકિસ્તાને પહેલાં જ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણની ધમકી આપી દીધી હતી.

પાકિસ્તાનના કરાચી એરપોર્ટની તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનોના ૩ માર્ગ બંધ કરી દેવાયા હતા. પાકિસ્તાનના સિવિલ એવિએશન ઓથોરિટીએ નોટિસ ટુ એરમેન (NOTAM) રજૂ કરીને બંદરોને પણ એલર્ટ રહેવાની સલાહ આપી દીધી હતી. પાકિસ્તાનની તરફથી ઉઠાવામાં આવેલા આ પગલાંને જોતા પહેલાં જ આશંકા વ્યકત કરાઇ હતી કે પાકિસ્તાન કરાચીની પાસે પોતાના સોનમિયાની ટેસ્ટ રેન્જથી મિસાઇલનું પરીક્ષણ કરવાનું છે.

પાકિસ્તાન કાશ્મીરને લઇ રઘવાયું થયું છે. પરમાણુ ધમકીથી લઇને પાકિસ્તાન સીમિત યુદ્ઘ જેવી ધમકીઓ આપી ચૂકયું છે. મિસાઇલ ટેસ્ટ પહેલાં પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે તેઓ ભારતીય ઉડાનો માટે દેશના વિમાનન ક્ષેત્રનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા પર વિચારી રહ્યા છે. આ પ્રતિબંધથી કરાચીની ઉપર ત્રણ માર્ગોનો ઉપયોગ કરી રહેલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર અસર પડશે.

પાયલોટોને કરાચીને પાર કરવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની માહિતી પણ પાકિસ્તાને રજૂ કરી હતી. પ્રાધિકરણ એ 'નોટિસ ટુ એરમેન'માં કહ્યું છે કે આ ચાર દિવસીય પ્રતિબંધ એક સપ્ટેમ્બરના રોજ ખત્મ થશે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી ફવાદ ચૌધરીએ મંગળવારના રોજ ટ્વીટ કરી હતી કે વડાપ્રધાન ઇમરાન ખાન ભારત માટે વિમાનન ક્ષેત્ર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહ્યા છે.

ઉશ્કેરાયેલું પાકિસ્તાન દરરોજ નવા નવા નાટક કરી રહ્યું છે. ત્યારે હવે ઈમરાન ખાને હવે પોતાની ખુરશી બચાવવા માટે પાકિસ્તાનમાં બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરિક્ષણ કર્યું છે. ભારતે કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવી ત્યાર બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાનનું આ નવું નાટક છે.

ઙ્ગહવે બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરીને પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે. જોકે અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે ભારત પાસે તેનાથી વધુ મારક ક્ષમતા વાળી મિસાઈલ છે.ઙ્ગ

પાકિસ્તાને ગજનવી મિસાઇલનું પરીક્ષણ કરી દુનિયાને તણાવનો સંદેશ આપવાનો પ્રયત્ન માનવમાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતિ અનુસાર કોઇપણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ પૂર્વ આપવાની હોય છે.

પાકિસ્તાન તરફથી મિસાઇલ પરીક્ષણની સુચના ભારતને અગાઉથી આપવામાં આવી હતી. પાકિસ્તાને આ અંગેની સૂચના ૨૬ ઓગસ્ટના રોજ ભારતીય અધિકારીઓને આપી હતી.

(3:36 pm IST)