Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કેન્દ્ર સરકારે કોલેજિયમ પ્રસ્તાવ પરત મોકલ્યોઃ કહ્યું - જસ્ટીશ અકિલને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીશ બનાવી ન શકીએ

નવી દિલ્હી, તા. ૨૯ :. બોમ્બે હાઈકોર્ટના જજ જસ્ટીશ અકીલ કુરેશીને સુપ્રિમ કોર્ટ - કોર્ટ કોલેજીયમ દ્વારા મ.પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીશ બનાવવાની ભલામણના મામલામાં કેન્દ્ર સરકારે કોલેજીયમ પ્રસ્તાવ પરત મોકલ્યો છે કહેવાયું છે કે જસ્ટીશ અકીલને મ.પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીશ બનાવી ન શકીએ અને બીજા કોઈને ચીફ જસ્ટીશ બનાવવા વિચાર થઈ શકે છે.

નિયુકતીની ભલામણ સુપ્રિમ કોર્ટ કોલેજીયમે ૧૦મી મે એ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ અકીલ કુરેશીએ મધ્યપ્રદેશના ચીફ જસ્ટીશ નહીં બનાવવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશને સુપ્રીમ કોર્ટમાં રીટ કરી હતી. આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં કાયદા મંત્રાલયે રજુ કરેલો જવાબ કોલેજીયમ સમક્ષ વિચારણા માટે મુકવાનો નિર્ણય કર્યો છે. જસ્ટીશ અકીલ કુરેશીની નિમણૂકના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન (જીએચસીએએ) તરફથી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરાયેલી રીટમાં એવી દાદ મંગાઈ છે કે, કાયદા મંત્રાલયને આદેશ કરવામાં આવે કે તેઓ બંધારણની જોગવાઈઓનું પાલન કરે અને સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ૧૦મી મે ના રોજ જસ્ટીશ અકિલ કુરેશીને મધ્યપ્રદેશના ચીફ જસ્ટીશ બનાવવાની જે ભલામણ કરાઈ છે તે મુજબ તેની નિમણૂક કરાય. રીટમાં વધુમાં વધુ એવી દાદ પણ માગવામાં આવી હતી કે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર ફોર એપોઈન્મેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ ચીફ જસ્ટીસિસ એન્ડ જજીસની જોગવાઈઓ મુજબ દેશની વિવિધ હાઈકોર્ટના ચીફ જસ્ટીશની નિમણૂકો છ સપ્તાહની અંદર કરવાનો આદેશ પણ કરવામાં આવે.

રીટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે 'જસ્ટીશ કુરેશી ન્યાયતંત્રમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જજ તરીકે જાણીતા છે. માત્ર ગુજરાત હાઈકોર્ટ જ નહીં, બોમ્બે હાઈકોર્ટમાં પણ તેઓ પ્રસંશા પાત્ર જજ રહ્યા છે ત્યારે કોલેજિયમ દ્વારા તેમને મધ્યપ્રદેશના ચીફ જસ્ટીશ બનાવવાની ભલામણ કરી હોય ત્યારે તેમની ક્ષમતાઓ પરની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ સંજોગોમાં તેમની નિમણૂક નહીં કરીને કાયદા મંત્રાલય દ્વારા દેશની સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતોનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. તેથી ન્યાયના હિતમાં અને કાયદા તથા બંધારણના હિતમાં સુપ્રીમ કોર્ટે મ.પ્ર.ના ચીફ જસ્ટીશ તરીકે નિમણૂક કરવાનો આદેશ કાયદા મંત્રાલયને  આપવો જોઈએ.(૨-૩)

(11:19 am IST)