Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કેરળ પુર : વિમા કંપનીઓમાં ૧૨૦૦ કરોડના કરાયેલ દાવા

પુરગ્રસ્ત કેરળમાં જનજીવન ધીમીગતિએ પાટા પરઃ ૧૧,૦૦૦થી વધુ દાવા : મોટી સંખ્યામાં લોકો હજુ પણ રાહત કેમ્પોમાં : રાહત કામગીરી યુદ્ધના ધોરણે અકબંધ

કોચી,તા. ૨૮: પુરથી ગ્રસ્ત કેરળમાં સામાન્ય જનજીવન હવે ધીમીગતિએ પાટા પર આવી રહ્યું છે. રાજ્યમાં પુરના કારણે કેટલું નુકસાન થયું છે તેને લઇને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જાહેર ક્ષેત્રની ચાર વિમા કંપનીઓમાં આશરે ૧૨૦૦ કરોડ રૂપિયાના ૧૧૦૦૦થી વધુના દાવા કરવામાં આવી ચુક્યા છે. ૧૨૦૦ કરોડના દાવા થઇ ચુક્યા છે અને આ મામલાને વહેલી તકે નિકાલ લાવવા માટે નિયમોને સરળ કરાયા છે. વિનાશક પુર બાદ પાટા ઉપર પરત ફરી રહેલા કેરળને મદદનો પ્રવાહ અવિરત રીતે જારી રહ્યો છે. કેરળના પુરગ્રસ્ત ગામડાના ફેરનિર્માણના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે.  પુરગ્રસ્ત કેરળમાં ૮.૬૯ લાખથી વધારે લોકો હજુ રાહત કેમ્પમાં છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરીમાં હજુ પણ લાગેલી છે. એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. સેંકડો લોકો રાહત કેમ્પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં ૮.૬૯ લાખ લોકો રહેલા છે. આઠમી ઓગસ્ટથી ૨૯૩ના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૨૯મી મે બાદથી મોતનો આંકડો ૪૧૭ સુધી પહોંચ્યો છે. કેરળમાં  સદીના સૌથી વિનાશકારી પુર તરીકે આને જોવામાં આવે છે. પુરના કારણે શરૂઆતી નુકસાન મુજબ આંકડો ૨૦ હજાર કરોડ સુધી દર્શાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વાર્ષિક યોજના સાથે સુચિત બજેટનો આંકડો ૨૯૧૫૦ કરોડનો રહ્યો છે. તેમાં કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પણ સામેલ છે. આ વર્ષે રાજ્યના બજેટનો આંકડો ૩૭૨૭૩ કરોડ સુધી રહી શકે છે. મોતનો આંકડો મે બાદથી ૪૧૭ સુધી પહોંચી ગયો છે. માર્ગ નેટવર્કને થયેલા નુકસાનનો આંકડો શરૂઆતી રીતે ૪૫૦૦ કરોડનો છે.જ્યારે પાવર સેકટરમાં થયેલા નુકસાનનો આંકડો ૭૫૦ કરોડ અને જળ વિભાગને થયેલા નુકસાનનો આંકડો ૯૦૦ કરોડનો છે.૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. બચાવ અને રાહત કામગીરી કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ ચાલી રહી છે.

 

(9:55 pm IST)