Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભીમા કોરેગાંવ કેસ : હાઉસ એરેસ્ટ માટે સુપ્રીમનો હુકમ

માનવ અધિકાર કાર્યકરોને હાલ પુરતી રાહત થઇ : આરોપીઓને ધરપકડ કરીને રાખવાના બદલે નજરકેદમાં રાખવા હુકમ કરાયો : છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે સુનાવણી

નવી દિલ્હી, તા. ૨૯ : ભીમાકોરેગાંવ હિંસા મામલામાં નક્સલી લિંકના મામલામાં ઝડપાયેલા માનવ અધિકાર કાર્યકરોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે.  સુપ્રીમ કોર્ટે આ મામલામાં મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરીને કહ્યું છે કે, આરોપીઓને ધરપકડ કરવાને બદલે નજરકેદ કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની વધુ સુનાવણી છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે આ મામલા પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, અસહમતિ રહેવાની બાબત કોઇપણ લોકતંત્ર માટે સેફ્ટી વોલ્વ તરીકે છે. જો અસહમતિની મંજુરી રહેશે નહીં તો પ્રેશર કૂકર ફાટી શકે છે. ૨૮મી ઓગસ્ટના દિવસે પૂણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં પાંચની ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે, જૂન મહિનામાં એક દરોડા દરમિયાન દલિત કાર્યકરો સુધીર ધાવલેને મુંબઈમાં તેમના આવાસથી પકડી લેવામાં આવ્યા હતા જ્યારે વકીલ સુરેન્દ્ર ગાડલીંગ, કાર્યકર મહેશ રાવત, સોમા સેનને નાગપુરમાં અને રોના વિલ્સનને દિલ્હીમાંથી મુનારિકામાંથી પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, ઝડપી લેવામાં આવેલા પાંચ લોકો અને તેમની સામે પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે જોડાયેલા લોકોના આવાસ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. આ પાંચ લોકોની ધરપકડ બાદથી ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. મોદી ૧૫ રાજ્યોમાં ભાજપ શાસનને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો. આમા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જો એમ જ રહેશે તો તમામ મોરચા પર પાર્ટી માટે મુશ્કેલી ઉભી થઇ જશે. માઓવાદી સાથે કનેક્શનની શંકામાં પુણે પોલીસે ગઇકાલે દેશભરમાં ડાબેરી સમર્થક ગણાતા કાર્યકરોના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન બે માઓવાદી શુભેચ્છકોની અટકાયત કરવામાં આવી હતી.

(7:21 pm IST)