Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

માઓવાદી લિંક પર ધરપકડ સંદર્ભે રાજકીય ઘમસાણ શરૂ

માયાવતી અને સીતારામ યેચુરી મેદાનમાં આવ્યા : જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરવાની સીતારામ યેચુરીની ઘોષણા : ધરપકડને લઇને પોલીસનો કેસરકર દ્વારા બચાવ

નવી દિલ્હી, તા. ૨૯: ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં નક્સલી લિંકને લઇને ડાબેરી કાર્યકરોની ધરપકડ મામલામાં રાજકીય સંગ્રામ જારી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ હવે બહુજન સમાજવા પાર્ટીના વડા માયાવતીએ આને દલિતોની વાત કરનારનો અવાજ દબાવવાના પ્રયાસ તરીકે ગણાવીને ટિકા કરી છે. સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ આના વિરોધમાં દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મિડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, કાર્યકરોની ધરપકડમાં નક્કી કરવામાં આવેલા માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ધરપકડનો ડાબેરી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

આની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ૨૮મી ઓગસ્ટના દિવસે પુણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસાના સંદર્ભમાં તથા નક્સલવાદીઓ સાથે સંબંધ રાખવા તથા ગેરકાયદે ગતિવિધિઓના આરોપસર પાંચની ધરપકડ કરી હતી જેમાં વરવર રાવ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખાનો સમાવેશ થાય છે. બીજી બાજુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિપક કેસરકરે કાર્યકરોની ધરપકડને લઇને પુણે પોલીસનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી પોલીસ પાસે કોઇ પુરાવા આવતા નથી ત્યાં સુધી કોઇ પગલા લેવામાં આવતા નથી પરંતુ પ્રુફ રહેવાની સ્થિતિમાં કોર્ટ પોલીસને કસ્ટડીમાં લઇ લે છે. સ્પષ્ટ છે કે સરકારની પાસે પુરાવા છે અને બીજી બાબત એ છે કે, લોકો નક્સલવાદનું સમર્થન કઈ રીતે કરી શકે છે. આ લોકો પોતાની સરકાર ચલાવી રહ્યા છે જે યોગ્ય બાબત નથી.

(7:20 pm IST)