Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મહારાષ્‍ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદ નજીક ૧૨ જ્યોતિર્લિંગમાંના અેક ઘૃષ્‍ણેશ્વર મહાદેવ મંદિરે નિઃસંતાન દંપતિ દર્શન કરે તો સંતાન સુખ મળતુ હોવાની માન્યતા

મુંબઇઃ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી 11 કિમી દૂર એક શહેરની ચહલ-પહલથી શાંત જગ્યાએ આવેલું છે. માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી દરેક પ્રકારના રોગ અને દૂખ દૂર થાય છે. અહીં નિઃસંતાન દંપત્તિ દર્શન કરે તો સંતાન સુખ મળે છે.

મંદિરનો ઇતિહાસ

આ જ્યોતિર્લિંગ અંગે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર દક્ષિણ દિશામાં સ્થિત દેવપર્વત પર સુધર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ પોતાની ધર્મપરાયણ સુંદર પત્ની સુદેહા સાતે રહેતો હતો. બંને ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. જોકે અનેક વર્ષો છતા તેમને કોઈ સંતાન ન હોવાથી અંતે સુદેહાએ તેના પતિને મનાવીને પોતાની બહેન ઘુષ્મા સાથે તેના લગ્ન કરાવ્યા. નાની બહેન ઘુષ્મા પણ અનન્ય શિવભક્ત હતી. તેને શિવ કૃપાથી થોડા સમયમાં પુત્ર આવ્યો.

લગ્ન પહેલા જ કોઈપણ સ્થિતિમાં બહેનથી ઇર્ષ્યા નહીં કરવાનું વચન આપનારી સુદેહા માટે હવે વધુ સમય ઇર્ષ્યા કર્યા વગર રહેવું શક્ય નહોતું. જેથી થોડા સમય પછી મોકો જોઈને સુદેહાએ ઉંઘમાં સુતેલા ઘુષ્માના પુત્રની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને નજીકના તળાવમાં ફેંકી દીધો. સવાર થઈ તો ઘરમાં પુત્રની હત્યા અંગે જાણીને ઘરમાં કોહરામ મચી ગયો. જોકે આ બધા વચ્ચે પણ ઘુષ્માએ શિવભક્તિ છોડી નહીં અને દૈનિક નિયમ પ્રમાણે તળાવના કિનારે જઈ માટીમાંથી 100 શિવલિંગ તૈયાર કરી પૂજા કરી પછી તેને ફરત પાણીમાં વિસર્જિત કરી દીધા.

ઘુષ્માની ભક્તિ જોઈ શિવ ખૂબ પ્રસન્ન થયા અને જેવી તે પૂજા કરીને ઉભી થઈ કે તેના મૃત પુત્રને જીવિત કરી શિવજી પ્રગટ થયા. ઘુષ્મા શિવ લીલાથી હર્ષ અને ભક્તિના ભાવાવેશમાં અર્ધ બેભાન જેવી થઈ ગઈ. પરંતુ તેના પુત્રને સોંપીને જ્યારે શિવ સુદેહાનો વધ કરવા ત્રિશૂલ લઈને આગળ વધ્યા તો. ઘુષ્માએ ભોળેનાથને હાથ જોડીને પોતાની બહેનના પ્રાણના રક્ષણ માટે વિનંતી કરી. આ સાથે તેણે ભગવાન શંકર પાસે વરદાન માગ્યું કે જો શિવ તેના પર પ્રસન્ન હોય તો અહીં જ નિવાસ કરે. ભક્તવત્સલ ભગવાને તરત જ તેની માગણીનો સ્વીકાર કર્યો અને ઘૃષ્ણેશ નામથી જ્યોતિર્લિંગ રુપે સ્થાપિત થયા.

મંદિરની સુંદર કલાકૃતિ

મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. પત્થરના 24 થાંભલા પર સુંદર નક્શિકામ સાથે મંદિરનો વિશાળ સભા ખંડ બનાવવામાં આવ્યો છે. મંદિરનું ગર્ભગૃહ 17*17નું છે જેમાં પૂર્વાભિમુખ જ્યોતિર્લિંગ બીરાજ છે. સભા ખંડની તુલનાએ ગર્ભગૃહ થોડું નીચે છે. અહીં અનેક જાતના ફૂલ, ઝાડપાન, પશુ અને માણસોની ભાવમુદ્રાની કોતરણી કરવામાં આવી છે.

પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજ્યા

ઘૃષ્ણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પર બિરાજ્યા છે. દેશમાં આવેલ 21 ગણેશ પીઠો પૈકી એક લક્ષવિનાયક નામથી પ્રસિદ્ધ ગણેશ પીઠ પણ અંહી મંદિરમાં જ આવેલ છે. પુરાતત્વ અને વાસ્તુકલાની દ્રષ્ટીએ આ મંદિર ખૂબ મહત્વનું છે. શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારના દિવસે અહીં મેળો લાગે છે. આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.

દર્શનનો સમય

મંદિર રોજ પરોઢિયે 5:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. શ્રાવણ માસમાં તો મંદિર બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યે ખુલી જાય છે તો રાતના 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિરની મુખ્ય ત્રિકાલ પૂજા અને આરતી સવારે 6 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે થાય છે. મંદિરની દેખભાળ શ્રી ઘૃષ્ણેશ્વર મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે ચે. મંદિરની અંદર પુરુષ પોતાના પેન્ટ-શર્ટ, બેલ્ટ ઉતારીને ગર્ભગૃહમાં જઈ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે.

કેવી રીતે પહોંચશો

ઘૃષ્ણેશ્વર મંદિર ઔરંગાબાદથી 35 કિમી દૂર છે. જે મુંબઈથી 422 અને પૂનાથી 250 કિમી દૂર છે. ઔરંગાબાદથી ઘૃષ્ણેશ્વર સુધીનો પ્રવાસ જીવનનો યાદગાર પ્રવાસ બની રહેશે. રસ્તામાં ઘેઘૂર ઝાડ, ઉંચા ઉંચા પહાડ અને સુંદર એલોરાની ગુફાઓની પાસેથી મંદિરનો રસ્તો નીકળે છે. ઘૃષ્ણેશ્વર જવા માટે ઔરંગાબાદ અને દૌલતાબાદથી બસ અને ટેક્સીની સુવિધા મળે છે. ટ્રેનથી પ્રવાસ કરતા હોવ તો ઔરંગાબાદ જ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહીંથી ટેક્સી અથવા ઓટો દ્વારા મંદિર પહોંચી શકાય છે.

ક્યાં રોકાશો

જો તમે ઘૃષ્ણેશ્વર પહોંચીને અહીં રોકાવા માગતા હોવ તો મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત યાત્રી નિવાસમાં ઉતરી શકો છો. જ્યાં એક રુમનું ભાડુ રુ.200થી 500 જેટલું લેવામાં આવે છે. જ્યારે ઘૃષ્ણેશ્વરથી થોડાક જ દૂર એલોરા ગુફાઓ નજીક કેટલીક હોટેલ્સ પણ છે. જેનું ભાડુ 800થી 2000 રુપિયા જેટલું હોય છે.

(5:11 pm IST)