Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગ્રીન અેનર્જી અને ઇલેકટ્રીક વાહનો માટે ગ્રીન નંબર પ્લેટ લગાવાશેઃ ટોલ ટેક્સ-રોડ ટેક્સમાંથી મુક્તિ અપાશે

નવી દિલ્હીઃ વાહનોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન માટે કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં જ આ નવી સ્કીમ લાવી રહી છે. આ સ્કીમ અંતર્ગત આવા વાહનના માલિકોને અનેક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. નીતિ આયોગ આ સ્કિમને ફાઇનલ કરવાના તબક્કામાં કામ કરી રહ્યું છે. આ મામેલ ઈલેક્ટ્રિક બાઇક અને કાર નિર્માતા કંપનીઓની સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

આ સ્કીમ અંતર્ગત ગ્રીન એનર્જીથી ચાલતા અને તેમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો માટે ગ્રીન નંબર પ્લેટ લગાડાશે. આવી નંબરપ્લેટ ધરાવતા વાહનોને અનેક છૂટછાટ આપવામાં આવશે. જેમ કે ટોલ ટેક્સ, રોડ ટેક્સથી તેમને મુક્તિ આપવામાં આવશે. તેમજ આવા વાહનોને પાર્કિંગની વિશેષ સુવિધા પણ આપવામાં આવશે. આ ગ્રીન વાહનો અંતર્ગત ઇલેક્ટ્રિક ઉપરાંત બાયોફ્યુઅલ વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત જ નહીં દુનિયાના અનેક દેશો પોતાના નાગરીકોને ગ્રીન ફ્યુઅલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ અલગ અલગ સુવિધાઓ આપે છે. અમેરિકા જેવા દેશોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ પર ખાસ અલાયદી લેનની સુવિધા છે. આ પ્રકારની સુવિધા જો ભારતમાં પણ આપવામાં આવે તો સરકારી તિજોરી પર ભારણ નહીં આવે.

નજીકના ભવિષ્યમાં જ નીતિ આયોગ આ સ્કીમને અંતિમ સ્વરુપ આપી દેશે. જ્યારે ઇલેક્ટ્રિક બાઇક્સ અને કારની ખરીદી પર સરકાર પહેલાથી જ સબ્સિડી આપી રહી છે. આગામી 7 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ઇલેક્ટ્રિક વાહનો પર મળતી સબ્સિડીના બીજા ચરણની ઘોષણા કરશે. જે અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર રુ.5500 કરોડ સબ્સિડી રુપે આગામી પાંચ વર્ષમાં યુઝ કરશે.

(5:06 pm IST)