Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. વટવાણીની પ્રેરક સેવા

રોડ પર ભટકતા ૭૦૦૦ માનસિક રોગીઓને સ્વસ્થ કરી, પરિવાર સાથે જોડી આપ્યા

મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. ભરત વટવાણી અને તેમના પત્ની ડો. સ્મિતાએ કરજતમાં શ્રધ્ધા રીહેબીલીટેશન હોમ બનાવ્યું છે. જેમાં કોઇપણ સમયે રોડ પર રખડતા માનસિક બીમાર ૧૨૦ લોકો રહે છે. ડો. વટવાણીએ કહયું કે અમે અત્યાર સુધીમાં લગભગ ૭૦૦૦ લોકોને મદદ કરી છે પણ કરજત સેન્ટર ૨૦૦૬માં કામ કરતું થયું ત્યાર પછીનો જ વ્યવસ્થિત રેકોર્ડ અમારી પાસે છે. ૨૦૦૬થી અત્યાર સુધીમાં અમે ૫૪૮૯ દર્દીઓની સારવાર કરીને સમાજમાં જોડયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૪૮૫ લોકોને સારવાર અપાઇ છે.

ડો. વટવાણીએ કહયું કે તેમના કામને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાથી તે બહુ ભાવુક છે. હું આશા રાખુ છું કે આના લીધે આપણા રોડ પર ભટકતા માનસિક બિમાર લોકો પરત્વે લોકોનંુ ધ્યાન દોરાશે. ભારતમાં લગભગ એક લાખ લોકો દરવર્ષે સ્કીઝોફેનિયા નામના માનસિક રોગનો શિકાર બને છે.

વટવાણી કહે છે કે સ્કીઝોફેનિયા જેવી માનસિક બિમારી બાબતે ભારતમાં જાગૃતતા ઘણી ઓછી છે. ઘણા લોકો પુછતા હોય છે કે સારા ઘર ધરાવતા લોકોએ રોડ પર રહેવાની શું જરૂર છે? પણ તે લોકોને ખબર નથી કે આવા દર્દીઓની સ્થિતિ એવી હોય છે કે તેમને નિયમિત દવાઓ અને તેમનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છેે. આશા છે કે મેગ્સેસે એવોર્ડ આ કલંકને ઘટાડવામાં મદદરૂપ થશે.

ડો. વટવાણીને આવા લોકોની સારવાર અને તેને કુટુંબ સાથે ફરીથી જોડવામાં ૯૮ ટકા સફળતા મળી છે. તેનું કારણ જણાવતાં તેમણે કહયું કે અમારી પાસે દેશના જુદા-જુદા ભાગના સામાજિક કાર્યકરોની બહુ ઉત્તમ ટીમ છે, જે દર્દીઓ સાથે જોડાઇને તેના કુટુંબને શોધવામાં મદદરૂપ થાય છે.

આ કાર્યની શરૂઆત એક રેસ્ટોરન્ટ માંથી થઇ હતી એમ જણાવતા તેમણે કહયું કે એક માણસની વર્તણુંક અને ચાલચલગત પરથી અમને ખ્યાલ આવ્યો કે તે સ્કીઝોફેનિયાનો દર્દી છે. તે માણસે રોડ પરથી એક ખાલી લીંબુ નારીયેળ ઉઠાવ્યું અને તેમાં ગટરનું પાણી ભરીને તે પીવા લાગ્યો અમે તેની પાસે ગયા અને તેને અમારી સાથે આવવા સમજાવ્યો. તે માની ગયો અને થોડા મહિના પછી અમે તેને તેના કુટુંબ પાસે સાજો કરીને આંધ્ર પ્રદેશ મોકલી આપ્યો. અમને ત્યારે જાણવા મળ્યું કે તે સાયન્સ ગ્રેજયુએટ હતો અને પેથોલોજી કોર્સ કરેલ હતો.

શ્રધ્ધા સેન્ટર દારૂ પીનારાઓ કે ડ્રગ ના બંધાણીઓને દાખલ નથી કરતું. તેઓ ફકત માનસિક રોગીઓની જ સારવાર કરે છે. તેમની વર્ષોની કામગીરી દરમ્યાન દિલ્હીના એક ડોકટર અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સારા કરીને તેમના કુટુંબ સાથે મેળવી આપ્યા હતા, જે મુંબઇના પોશ વિસ્તારમાં ઘર ધરાવતા હતા.

ડો. વટવાણીએ કહયું કે આના માટેનું ફંડ અમને ચેરીટી દ્વારા જ મળે છે. ફકત મોૈખિક જાહેરાતો દ્વારા મળતી મદદ અમારા દર્દીઓ માટે પુરતી થઇ રહે છે. પોતાના કાર્યનો વિસ્તાર કરવા માટે તે બહુ ઉત્સુક નથી.

આ ડોકટર યુગલને પોતાની એક દિકરી છે અને તેમણે ત્રણ બાળકો (બે છોકરા અને છોકરી) મીશનરીઝ ઓફ ચેરીટી, વીલે પાર્લે માંથી દત્તક લીધા છે. યુક ચાંગ કંબોડી માંથી, ઇસ્ટ ટીમોરના મારીઆડી લોર્ડઝ, ફીલી પાઇન્સના હાવર્ડ ડી અને વીએટનામના વો થી હોઆંગ આ વર્ષના અન્યમેગ્સેસે એવોર્ડ વિજેતા છે.

(4:02 pm IST)