Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ડાબેરી વકીલો - કાર્યકરોના નિવાસે દરોડા

આ કાર્યવાહી દર્શાવે છે કે સરકારને જનાદેશ ખોવાનો ભય લાગી રહ્યો છેઃ અરૃંધતિ

પૂણે, તા. ર૯ : મહારાષ્ટ્ર પોલીસે કેટલાય રાજયોમાં ડાબેરી કાર્યકર્તાઓના ઘરે દરોડા પાડયા અને માઓવાદીઓ સાથે સંપર્ક રાખવાની શંકાના આધારે ઓછામાં ઓછા પાંચ લોકોની ધરપકડ કરી છે. માનવધિકાર માટે કામ કરતા લોકોએ એક સુરે આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ગયા વર્ષે ડીસેમ્બરમાં એલ્ગાર પરિષદના એક કાર્યક્રમ પછી પુનાની બાજુમાં કોરેગાંવ-ભીમાગાંવમાં દલિતો અને ઉચ્ચ જાતિઓ વચ્ચે થયેલી હિંસક ઘટના સંદર્ભે થયેલ તપાસમાં આ દરોડાઓ પડાયા છે.

આ પોલીસ કાર્યવાહી વિરૂદ્ધ પ્રસિદ્ધ લેખિકા અરૃંધતિ રોયે કહ્યું કે, 'આ ધરપકડો સ્પષ્ટ સંકેત આપે છે કે સરકારને જનાદેશ ખોવાનો ભય લાગી રહ્યો છે અને તે ભયભીત થઇ ગઇ છે. ખોટા આરોપો મૂકીને વકીલો, કવિઓ, લેખક, કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓને પકડવામાં આવી રહ્યા છે. અમને સ્પષ્ટ જણાવો કે ભારત કયાં જઇ રહ્યું છે.'

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હૈદરાબાદમાં તેલુગુ કવિ વરવર રાવ, મુંબઇમાં કાર્યકર વેરનન ગોન્જાલ્વીસ અને અરૂણ ફરેરા, ફરીદાબાદમાં ટ્રેડ યુનિયન કાર્યકર્તા સુધા ભારદ્વાજ અને દિલ્હીમાં નાગરિક સ્વાતંત્ર્ય કાર્યકર્તા ગૌતમ નવલખાના ઘરો પર લગભગ એક સમયે જ તલાશી લેવાઇ હતી. તલાશી પછી રાવ, ભારદ્વાજ, ફરેરા, ગોન્ઝાલ્વીસ અને નવલખાને આઇપીસીની કલમ ૧પ૩(એ) હેઠળ ગીરફતાર કરી લેવાયા હતા. આ કલમ ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષાના આધારે વિભિન્ન સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારવા સાથે સંબંધિત છે.

(3:57 pm IST)